આપણું ગુજરાત

સ્કૂલ-પિકનિકમાં ગયેલા બાળકોની બસ એકાએક સળગી ઉઠી, સદ્નસીબે વિદ્યાર્થીઓનો થયો બચાવ

ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુરના આવધા પાસે એક સ્કૂલ બસ એકાએક સળગી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસમાં સેલવાસની એક સ્કૂલના 30 વિદ્યાર્થીઓ સવાર હતા, જો કે તાત્કાલિક બાળકોને બસમાંથી ઉતારી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.

સેલવાસના સામરવરણીની અવર લેડી ઓફ હેલ્પ સ્કૂલના 30 બાળકો અમુક શિક્ષકો સાથે વિલ્સન હીલ પિકનિક પર જઇ રહ્યા હતા. રસ્તામાં એક ઘાટ પર ચડતી સમયે એકાએક બસમાં આગ લાગી ગઇ હતી, એ સમયે વિદ્યાર્થીઓ બસમાં હાજર હતા. જો કે તરત જ ડ્રાઇવરે બાળકોને ઉતારી મુક્યા હતા. તમામ બાળકો નીકળી ગયા બાદ બસમાંથી ડ્રાઇવર પણ નીકળી ગયો હતો. જો કે આગને પગલે બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઇ હતી.

હજુ વડોદરા બોટ દુર્ઘટનામાં બાળકોના મોત મામલે કેસની તપાસ ચાલુ છે એવામાં વધુ એક બસ પિકનિક મોતની પિકનિક બનતા બનતા રહી ગઇ છે. ભલે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ દુર્ઘટના થવાની શક્યતાઓ તો પૂરેપૂરી હતી. ફરીવાર આ ઘટનાને પગલે તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે કે શાળા સંચાલકો શા માટે બેદરકારી આચરતા હોય છે, શાળા તરફથી સાવચેતીના પગલા ન લેવાય તેનું પરિણામ શા માટે માસૂમ ભૂલકાઓ જ ભોગવતા હોય છે, ત્યારે હાલ તો ધરમપુર પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button