ટીમ્બર વ્યાપારીના અપહૃત પુત્ર યશનો હત્યા બાદ ખાડામાં દાટી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર-બોરીચી ખાતે રહેતા જાણીતા ટિમ્બર વ્યવસાયીના પુત્ર યશ તોમરના અપહરણ અને ખંડણી માંગવાના રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા પ્રકરણના પાંચમા દિવસે આદિપુર શહેરના પંચમુખા હનુમાન મંદિર વિસ્તારની પાછળ આવેલી ગાંડા બાવળોની ગીચ ઝાડીઓ વચ્ચે દાટી દેવાયેલી ડીકંપોઝ થઈ ગયેલી હાલતમાં અપહ્યત યુવાનની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી છે. મેઘપર બોરીચીની મંગલમ સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષિય યશ સંજીવકુમાર તોમરનું ગત સોમવારે સવારે પ્લેઝર સ્કૂટર લઈને કોલેજ જવા નીકળ્યાં બાદ રહસ્યમય રીતે અપહરણ થયું હતું.
સાંજે અજ્ઞાત શખસે યશની માતાને ફોન કરી ૧૧મી તારીખે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા જણાવ્યું હતું. યશે અપહરણ થયાનાં દોઢેક કલાક બાદ સવારે ૧૧.૨૦ કલાકે શેરચેટ નામની સોશિયલ નેટવર્કિંગ અને મેસેજિંગ એપ પર બાવળની ઝાડીની ચાર સેક્ધડની વીડિયો ક્લિપ શેર કરી ફસ ગયા તેવો મેસેજ પોસ્ટ કર્યો હતો. આ મેસેજનું લોકેશન ટ્રેસ કરી આ પ્રકરણમાં કામે લાગેલી દસ જેટલી વિવિધ પોલીસ ટુકડીઓએ આદિપુરના પંચમુખી હનુમાન મંદિર પાછળની બાવળની ઝાડીના લાંબા પટ્ટામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દોડધામ વચ્ચે ગત શુક્રવારની મોડી રાત્રે વીડિયો ક્લિપમાં જોવા મળેલી બાવળની ઝાડીમાંથી યશનું એક બૂટ મળી આવ્યું હતું. તેની બાજુમાં મૃતદેહ દાટવા માટે ખોદ્યો હોય તેવો તાજો ખાડો જોવા મળ્યો હતો.
દરમ્યાન, શનિવારની સવારે પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર, મામલતદાર, નાયબ પોલીસ અધીક્ષક સહિતના અધિકારીઓના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી વીડિયો ગ્રાફી કરાવીને જેસીબી દ્વારા ખોદકામ કરાવી પાંચેક ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયેલાં યશનો ક્ષતવિક્ષત થઇ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો ડીકમ્પોઝ થઇ ગયેલા મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવા તજવીજ હાથ ધરાઈ છે. યશની હત્યા કેવી રીતે નિપજાવવામાં આવી તે ઑટોપ્સી રિપોર્ટમાં સ્પષ્ટ થશે. તપાસનીશ અધિકારીના જણાવ્યા અનુસાર હતભાગી યશ નિયમિતપણે જીમમાં જતો હતો અને બોડી બિલ્ડીંગનો શોખીન હતો. તેના અપહરણ અને હત્યાની સમગ્ર ઘટનાને એકથી વધુ લોકોએ ઠંડા કલેજે યોજના બનાવીને અંજામ આપ્યો હોવાની પ્રબળ આશંકા છે.
જો કે, પાંચ-છ દિવસની તપાસમાં એકમાત્ર સ્કૂટરમાં યશ પાછળ બેઠેલાં હુડી પહેરેલાં અજ્ઞાત યુવક સિવાય બીજી કોઈ શંકાસ્પદ કડી મળી નથી. ટીમ્બર વેપારીના પુત્રના અપહરણ અને હત્યાના બનાવને અજ્ઞાત લોકોએ કયા હેતુથી અંજામ આપ્યો છે તે બાબતે પોલીસ પાસે હાલ કોઈ લીડ નથી. યશના અપહરણ અને ખંડણી અંગે સોમવારે મોડી રાત્રે તેની માતાએ અંજાર પોલીસ મથકે જાણ કરતાં પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદીયા અને તેમનો સ્ટાફ હરકતમાં આવી ગયાં હતાં.
પરિસ્થિતિની ગંભીરતા સમજી વડા અધિકારીઓએ તત્કાળ સ્થાનિક ગુન્હાશોધક શાખા, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ, સાયબર ક્રાઈમની ટીમ અને આસપાસના પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની વિવિધ દસ ટીમ તૈયાર કરીને વિવિધ સ્થળોના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા, યશ સાથે સંકળાયેલાં વિવિધ લોકોના નિવેદન, પૂછપરછ કરવા, સીડીઆર એનાલિસીસ કરવા સહિત ઝીણવટભરી તપાસ શરૂ કરાવી હતી.