ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે. ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે. વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે. માર્ચ ૨૦૨૪ની પરીક્ષાનું પરિણામ અપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં આપવાની બોર્ડની તૈયારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં ફેરફાર કરાયો છે, જેના પગલે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ દોઢ મહિના વહેલું જાહેર થશે. એટલે કે તા. ૧૫ થી ૨૦ એપ્રિલની વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે. પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશની પ્રક્રિયામાં પણ ઝડપ આવશે. રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા બહુ જ મહત્ત્વની ગણવામાં આવે છે. આ પરીક્ષાની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે. પરીક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે, જેથી તેની અસર તેના બાદના એડમિશન પ્રોસેસ પર થાય છે. તેથી આ પ્રોસેસ ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ વહેલું આપવામાં આવશે. આ વર્ષે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલું એટલે કે ૨૦ એપ્રિલ પહેલા જાહેર થઈ જાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લગભગ બે મહિના જેટલા લાંબા ગાળા બાદ પરિણામ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે નવા આયોજન મુજબ, પરીક્ષા પૂર્ણ થતાના માત્ર ૨૦ દિવસમાં પરિણામ જાહેર થઈ જશે.