નોકરિયાત ગુજરાતીઓનો સરેરાશ પગાર પૂરો 15 હજાર પણ નહિ!
ગુજરાતની ગણના દેશના સમૃદ્ધ રાજ્યોમાંના એક રાજ્ય તરીકે થાય છે, ગુજરાતમાં ધંધો ફૂલેફાલે છે, તમામને રોજગારી મળે છે, રૂપિયાની રેલમછેલ છે જેવા તમામ દાવાઓ ખોટા પડે તેવો એક સરવે સામે આવ્યો છે. જેમાં દર્શાવેલી વિગતો મુજબ ગુજરાતના નોકરિયાત વર્ગની દર મહિનાની સરેરાશ આવક માંડ રૂપિયા 13,266 થવા જાય છે. ઓછી આવક મામલે ગુજરાત આ સરવેમાં 19મા ક્રમે છે.
દેશની અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ‘સ્ટેટ ઑફ ઈન્ડિયા રિપોર્ટ-2023’ મુજબ, દિલ્હીમાં નોકરી કરતા લોકોનો સરેરાશ માસિક પગાર દેશમાં સૌથી વધુ 23,580 રૂપિયા છે. જ્યારે છત્તીસગઢમાં સૌથી ઓછો એટલે કે 9,716 રૂપિયા છે. કોરોના મહામારી બાદ દેશના બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે પરંતુ ભણેલાગણેલા ડિગ્રીધારી 15 ટકા જેટલા યુવકો હજુપણ બેરોજગાર છે. વર્કફોર્સમાં મહિલાઓની ભૂમિકા પણ ઓછી થઇ છે. લોકો રૂપિયા બચતમાંથી વાપરવાને બદલે ઉધાર લઇને ખર્ચી રહ્યા છે. ભારતીયોને રોજીંદી આવક પર નિર્ભર થવું પડે છે. કારણકે તેમની પાસે પારિવારિક સંપત્તિનો અભાવ છે.