ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં એપથી થશે પ્રવેશપ્રક્રિયા, વિદ્યાર્થીઓએ કરાવવું પડશે એપમાં રજીસ્ટ્રેશન
હાલમાં જ યોજાયેલા ગુજરાતના વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ એટલે કે પબ્લિક યુનિવર્સિટી એક્ટ પસાર થયો હતો, હવે આ એક્ટ મુજબના કેટલાક નિયમો અને ધારાધોરણો પણ રાજ્ય સરકાર કોલેજોમાં લાગુ કરવા જઇ રહી છે. આગામી સત્રથી કોલેજમાં પ્રવેશ મેળવવા માગતા તમામ વિદ્યાર્થીઓને આ નિયમની અસર થશે.
મહત્વનું છે કે, અત્યાર સુધી 12 સાયન્સ પછી મેડિકલ-ઇજનેર ક્ષેત્રે કોમન પ્રવેશ પ્રક્રિયા લેવામાં આવતી હતી, હવેથી આર્ટ્સ, કોમર્સ સહિતના તમામ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા થશે. વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે પહેલા રાજ્ય સરકારની એપમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર એપ લૉન્ચ કરશે. પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ જે યુનિવર્સિટીઓને આવરી લેવાઇ છે તેમાં જ આ નિયમ અમલી બનશે. અત્યાર સુધી આ યુનિવર્સિટીને સંલગ્ન કોલેજો અલગ અલગ રીતે પ્રવેશ પ્રક્રિયા કરતી હતી પરંતુ હવે એકસમાન રીતે પ્રવેશ પ્રક્રિયા યોજાશે.
ગુજરાત પબ્લિક યુનિવર્સીટી એક્ટ અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા (કેટલીક વિશેષ છૂટછાટ સાથે), સરદાર પટેલ યુનિવર્સિટી-આણંદ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી- સુરત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણ, બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી- અમદાવાદ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી- ભુજ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી- જૂનાગઢ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી- ગોધરાને લાગુ પડશે.