સુરેન્દ્રનગરની કોર્ટમાં આરોપી દારૂના નશામાં ઝૂમતો પહોંચ્યો
અમદાવાદઃ સુરેન્દ્રનગરની લીમડી કોર્ટમાં આરોપી દારૂના નશામાં પહોંચ્યો હતો. ન્યાયાધીશ સમક્ષ આરોપી પીધેલી હાલતમાં જણાતા તેનુ મેડીકલ ચેકપ કરાવાયુ હતું. જેમા આરોપી કોર્ટમાં નશાની હાલતમાં હોવાનુ બહાર આવતા તેની સામે ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ પોલીસ દ્વારા આરોપી પીધેલી હાલતમાં આરોપી રજૂ કરાતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.
મળતી માહિતી અનુસાર પાણશીણા પોલીસે ચોથી એપ્રિલે પણીવાસમાં દારૂની રેડ કરી હતી, પણ આરોપી લાખુ રવોદરા હાજર મળી આવ્યો નહતો. દરમિયાન 7મી જુને આરોપી પોલીસને હાથે ઝડપાતા સાંજે 4-10 વાગે લીંબડી કોર્ટમાં રજુ કરાયો હતો. જેમાં આરોપીની પુછપરછ કરતા તે નશાની હાલતમાં જણાયો હતો. આથી ન્યાયધીશે મેડીકલ ચેકપ કરાવાનો હુકમ કર્યો હતો. દરમિયાન લીંબડીની હોસ્પિટલમાં મેડીકલ ચેક અપ કરાતા આરોપીનો નશો કરેલી હાલતમાં હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેના પગલે ન્યાયધીશે લીંબડી ચીફ જ્યુડિશિયલ કોર્ટના રજીસ્ટ્રારને હુકમ કરતા આરોપી લાખુ રવોદરા સામે ગુનો નોંધયો હતો. બીજીતરફ આરોપી કોર્ટમાં પીધેલી હાલતમાં પહોંચી જતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કોર્ટમાં આરોપીને રજુ કરતા પહેલા પોલીસને આરોપી નશો કરેલો છે તે ધ્યાનમાં કઈ રીતે ન આવ્યું તે સમજી શકાય તેમ નથી, ન્યાયાધીશે એ વાતનો ખેદ વ્યકત કયોઁ હતો.