મુંદરાના ચકચારી સોપારી સ્મગલિંગ અને તોડકાંડનો ફરાર માસ્ટર માઈન્ડ પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ:દુબઈથી ઈન્ડસ્ટ્રિયલ સોલ્ટના નામે સોપારીની દાણચોરી કરીને યુક્તિપૂર્વક દેશમાં સોપારીનું વેચાણ કરવાના ગુનાના મુખ્ય
સૂત્રધાર અને વોન્ટેડ એવા પંકજ કરસનદાસ ઠક્કરની પાલનપુર
પોલીસે બનાસકાંઠા-રાજસ્થાનની સીમા પાસેથી ધરપકડ કરી આ
ગુનાની તપાસ કરતી સીટને સુપ્રત કર્યો છે.
દાણચોરીથી કચ્છના બંદરીય મુંદરામાં ઘુસાડવામાં આવેલી સોપારીનો જથ્થો જપ્ત નહીં કરવાના નામે ચાર પોલીસ કર્મચારી સહિત છ લોકોએ આ સ્મગલર ટોળકીના સાગરીત અનિલ પંડિત પાસે પોણા ચાર કરોડનો તોડ કર્યો હતો. ચકચારી મામલો બહાર આવ્યાં બાદ પોલીસે ફરિયાદ નોંધી અનિલ પંડિતે રજૂ કરેલાં દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પંડિત સહિતના આરોપીઓ લાંબા સમયથી આ મોડસ ઓપરેન્ડી મુજબ સોપારીની દાણચોરી કરતાં હોવાનો ઘટસ્ફોટ થતાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધીક્ષકે ગત ૨૬મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અનિલ પંડિત અને પંકજ ઠક્કર સહિતના આરોપીઓ સામે મુંદરા પોલીસ મથકે બીજી ફરિયાદ નોંધાવી હતી અને સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. અત્યારસુધીમાં પંકજ ઠક્કર સહિત ૯ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
દરમિયાન અગાઉ સોપારી અને કાળાં મરી સહિતની ચીજવસ્તુઓની દાણચોરીના ગુનામાં કસ્ટમના હાથે ઝડપાઈ ચૂકેલો ગાંધીધામનો પંકજ કરસનદાસ ઠક્કર જ માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયેલા અને ધરપકડ થયેલા પંકજને
રીમાન્ડ પર લઈ સોપારી સ્મગલિંગકાંડની એક એક કડી મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કરોડોના તોડકાંડ અને સ્મગલિંગકાંડમાં બનાસકાંઠા પોલીસે જ મોટાભાગના અને મહત્ત્વના આરોપીઓની ધરપકડ કરી મહત્ત્વના પુરાવા એકઠાં કરેલાં છે.