સરકારે માગ નહીં સ્વીકારતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ માં અંબાને આવેદનપત્ર પાઠવ્યું…

અમદાવાદઃ ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો પડતર માગો સાથે ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય સરકારે 21 હજારની જગ્યાએ માત્ર પાંચ હજારની જ ભરતી બહાર પાડી છે, ઉમેદવારો ભરતીમાં વધારો કરવાની માગ કરી રહ્યાં છે. સરકારે માગ નહીં સ્વીકારતાં આખરે ઉમેદવારોએ અંબાજીમાં માં અંબાના શરણે આવીને આવેદન પત્ર આપ્યું હતું.
ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ અંબાજી મંદિરે પહોંચીને માં અંબાને આવેદન પત્ર પાઠવ્યું હતું. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, આ અમારી છેલ્લી માર્કશીટ છે જે બાદમાં વેલીડ ગણાશે નહીં. સરકારે માત્ર 25 ટકા ભરતી કરી છે. આ ભરતીમાં વધારો કરવામાં આવે અને અમારો સમાવેશ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. ઉમેદવારોએ ચાચર ચોકમાં માતાજીની આરાધના કરી હતી, પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
આપણ વાંચો : ચૈત્રી નવરાત્રિઃ રાજ્યની શક્તિપીઠોમાં સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…
તાજેતરમાં જ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં સંખ્યા વધારવા માગ કરી હતી. ઉમેદવારો રજૂઆત કરે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી હતી. આ પહેલા પણ ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. હવે આ મામલે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેનાં પર સૌની નજર છે.