MS યુનિવર્સિટીમાં એડમિશનને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણ
વડોદરા: રાજ્યમાં શિક્ષણક્ષેત્રના હાલ આંદોલનોનો માહોલ જામ્યો છે. ગઇકાલે ગાંધીનગરમાં ટેટ-ટાટ ઉમેદવારોએ કાયમી ભરતી કરવાની માંગણીને લઈને વિરોધ કર્યો હતો. જો કે પોલીસે વિરોધ કરનાર ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જો કે આજે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં એડમિશનને લઈને ભારે બબાલ થઈ હતી. ઘણા દિવસથી ચાલતા આંદોલને આજેય ઉગ્ર સ્વરૂપો ધારણ કરી લેતા પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચો…NEET પેપર લીક મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, બુધવારે દેશ વ્યાપી દેખાવો કરાશે
હાલ જૂન મહિનામાં એમ. એસ. યુનિવર્સિટીમાં ચાલી રહેલા એડમિશનને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની માંગ કરવામાં આવી રહી હતી અને આ મામલે 1400 જેટલી બેઠકો વધારવાની માંગ સ્વીકારવામાં આવી હતી. તેમ છતાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે હાલ વિદ્યાર્થીઓ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આ મામલે વિદ્યાર્થી સંગઠનોએ લોલીપોપની આકૃતિ બનાવીને કુલપતિને આપવા જવાના હતા પરંતુ આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા.
સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આંદોલન :
પહેલા આ આંદોલન કોમર્સ ફેકલ્ટીમાં 75 ટકાથી નીચેના વિદ્યાર્થીઓને એડમિશન નહિ મળતા શરૂ થયું હતુ. આ મામલે વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન દ્વારા પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જો કે હવે આ આંદોલન સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશનની માંગણીને લઈને કરાઇ રહ્યું છે.
આજે વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના કુલપતિને લોલીપોપ આપવાના હતા, તેને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસ પાંચથી વધારે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી અને ટીંગાટોળી કરી હતી.