ગુજરાતમાં સોમવારથી ઉંચકાશે ગરમીનો પારો, અમદાવાદ-કચ્છમાં થશે અકળામણ…

અમદાવાદઃ ગુજરાતમાં સોમવારથી ફરી વાર ગરમીનો પારો ઉંચકાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, રાજકોટ, કચ્છમાં ગરમી ભુક્કા બોલાવશે. આ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. તે સિવાય આજથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે.
શનિવારે કયા શહેરમાં નોંધાયું કેટલું તાપમાન
શનિવારે રાજ્યમાં સૌથી વધુ નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 43 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 42 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર થશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના હવામાનમાં પણ પલટો આવશે. 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે. ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે. જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.
આ તારીખથી જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી
પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, હાલ ગરમીનો પારો ઉંચકાયો છે અને આગામી દિવસોમાં પણ ગરમીનું મોજું જોવા મળશે. મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. 25 મે થી રોહિણી નક્ષત્ર બેસે છે, આ ગાળામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વધારે શક્યતા છે.
આપણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ક્યાં આવ્યો વાતાવરણમાં પલટો?