ભાદરવી તાપમાં તપ્યું કચ્છ: ભુજમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન…
ભુજ: સેકન્ડ સમર તરીકે ઓળખાતા ભાદરવા મહિનાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે રણપ્રદેશ કચ્છ સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાજેતરમાં વરસેલા આફતરૂપી વરસાદે વિરામ લેતાં ભાદરવી તાપે આક્રમણ શરૂ કરી દેતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.
આ પણ વાંચો : કચ્છની કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ: ગણેશજીની મૂર્તિ ખંડિત કરી, મંદિર પર લીલો ધ્વજ લહેરાવ્યો…
કચ્છના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો આંક 35થી 37 ડિગ્રી વચ્ચે પહોંચી ગયો છે અને આજે 35 ડિગ્રી સે. તાપમાન સાથે ભુજ શહેરે રાજ્યના સૌથી ગરમ મથકોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સ્વચ્છ આકાશ વચ્ચે અકળાવનારી ગરમીની તીવ્રતા વધુ પ્રમાણમાં અનુભવાઈ રહી છે. કંડલા(એરપોર્ટ) ખાતે પણ ઉષ્ણતામાનનો પારો 34 ડિગ્રીએ પહોંચતાં અંજાર-ગાંધીધામ વિસ્તાર પણ અકળવનારા તાપમાં શેકાયા હતા.
આ ઉપરાંત અબડાસા તાલુકાના મુખ્યમથક નલિયામાં 34 ડિગ્રી તાપમાન રહેતાં અહીં ગરમીની આણ અનુભવવા મળી હતી.
લઘુતમ પારો પણ ઊંચકાઈને 26થી 28 ડિગ્રી વચ્ચે પહોંચી જતાં સૂર્યાસ્ત બાદ વર્તાતા ભારે ઉકળાટથી જનજીવન હાલ અકળાઈ રહ્યું છે. શ્રાવણીયા તહેવાર સંપન્ન થયા અને આસો નવરાત્રી પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે અચાનક વાતાવરણમાં વધી ગયેલી ગરમીથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
આગામી શ્રાદ્ધ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે તેવામાં અચાનક ગરમીનો પ્રકોપ વધી જતાં બપોરના સમયે પ્રણાલીગત બજારોમાં સન્નાટો પ્રસરેલો જોવા મળી રહ્યો છે. સાંજના પાંચ વાગ્યા બાદ લોકો બહાર જવાનું પસંદ કરી રહ્યા છે.