Tejas Expressમાં પણ બેદરકારી? અમદાવાદી યુવાને ટ્રેનમાં મંગાવેલા નાસ્તામાં ઇયળ નીકળી

યુવાને સોશિયલ મીડિયા સાઇટ X પર ફોટા પોસ્ટ કર્યા, રેલવે પ્રધાન-IRCTCને પૂછ્યું શું પગલા લેશો?
આપણા દેશમાં પરિવહન માટે ટ્રેન, બસ, ફ્લાઇટ સેવાઓમાં અવનવી સુવિધાઓ ઉભી કરવામાં આવે છે, અદ્યતન ટેકનોલોજી લાવવામાં આવે છે, તેમ છતાં અમુક બાબતો એવી છે જે ક્યારેય બદલાતી નથી, અને તે છે ટ્રેનમાં અપાતું ખાવાનું. IRCTC દ્વારા અનેકવાર સારી ગુણવત્તાવાળું ભોજન આપવાના દાવા કરવામાં આવે છે, કેટરિંગ સર્વિસમાં ડિસ્કાઉન્ટ, ઉપવાસ સ્પેશિયલ ભોજન વગેરે, જો કે મુસાફરો જે વાસ્તવિકતાનો સામનો કરે છે, તેમાં અલગ જ વિગતો બહાર આવે છે.
પ્રિયેન શાહ નામના અમદાવાદી યુવાને તેજસ એક્સપ્રેસ જેવી પ્રિમીયમ ટ્રેનમાં પોતાને થયેલા કડવા અનુભવની વિગતો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તેણે જણાવ્યું હતું કે તે તેજસ એક્સપ્રેસમાં અમદાવાદથી ભરૂચ જઇ રહ્યો હતો ત્યારે તેણે નાસ્તામાં ઉપમા મંગાવ્યો હતો, જેમાં ઇયળ નીકળી હતી, જો કે તેને ખબર પડે કે નાસ્તાની અંદર કોઇ જીવજંતુ છે તે પહેલા તે અડધો નાસ્તો કરી પણ ચુક્યો હતો. તેણે ફોટો પાડીને સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ તથા IRCTCને ટેગ કરીને જવાબ માગ્યો હતો.
ઉપમામાં ઇયળ હોવાની જાણ તેણે સ્ટાફને પણ કરી હતી અને તેમણે પણ યોગ્ય પગલા લેવાનું આશ્વાસન આપ્યું હતું, જો કે આ અંગે કોઇ નોંધ લેવાય તેવી કાર્યવાહી થઇ નથી. સોશિયલ મીડિયામાં પ્રિયેનની પોસ્ટ પર IRCTCએ જવાબ આપ્યો હતો અને તેનો મોબાઇલ નંબર સહિતની વિગતો માંગી પોસ્ટ પર રિપ્લાય આપતા કહ્યું હતું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને સારી ગુણવત્તા ધરાવતું ભોજન પૂરું પાડવાની જવાબદારી IRCTCની છે. જો તેજસ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો અન્ય સામાન્ય ટ્રેનોમાં કેવા પ્રકારનું ભોજન મળતું હશે એ વિચારવા જેવું છે.