SIRના કામકાજ સાથે જોડાયેલા શિક્ષકોને નિયમિત ફરજમાંથી મુક્તિ, તો વિદ્યાર્થીઓ શું કરશે?

અમદાવાદઃ જિલ્લા શિક્ષણ અધિકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે ગુજરાત બોર્ડ, સીબીએસઈ અને આઈસીએસઈ સહિત તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓને બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તરીકે કામ કરતા શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓને નિયમિત ફરજમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના પત્ર બાદ જારી કરાયેલ આ પરિપત્ર, અમદાવાદ શહેર, જિલ્લા અને મનપા સંચાલિત સંસ્થાઓમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વ-નાણાકીય શાળાઓમાં તેમની નિયમિત શૈક્ષણિક અને વહીવટી જવાબદારીઓ સાથે ચૂંટણી ફરજો પણ નિભાવી રહેલા હજારો બીએલઓ માટે આ રાહતના સમાચાર છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને આપેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, બીએલઓ તરીકે નિયુક્ત કરાયેલા સ્ટાફને હાલની સ્કૂલો સાથે જોડાયેલી ફરજોમાંથી મુક્ત કરવા જોઈએ. તેમના પર અન્ય કોઈ કામનો બોજ નાખવામાં આવે નહીં. અંદાજે 50,963 સરકારી કર્મચારીઓ હાલમાં બીએલઓ તરીકે સેવા આપી રહ્યા છે. પોતાનું નિયમિત કામ અને બીએલઓની જવાબદારી બન્નેને લીધે શિક્ષકો પર કામનો બોજ વધી ગયો છે અને તેમના કામની ગુણવત્તા પર અસર પડી રહી હોવાનું પણ તેમમે જણાવ્યું હતું.
સ્કૂલમાં માત્ર ચાર કલાક શિક્ષણકાર્યની માગણી
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કે સ્કૂલોમાં પહેલેથી જ શિક્ષકોની ઘટ છે. આ સાથે મોટી સંખ્યામાં શિક્ષકોને બીએલઓની જવાબદારી આપી છે. આ જવાબદારી આપવા સામે કોઈ વિરોધ નથી, પરંતુ આમ થવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ન બગડે અને સંચાલકો પણ યોગ્ય રીતે સંચાલન કરી શકે તે માટે સ્કૂલોમાં ચાર કલાકનું જ શિક્ષણકાર્ય કરવામાં આવે, તેવો આદેશ બહાર પાડવામાં આવે. દરેક સ્કૂલ સવાર ચાર કલાક ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને પ્રથમ ભાષાનું શિક્ષણ આ દિવસો દરમિયાન આપે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. એસોસિયેશને લેટરમાં એમ પણ લખ્યું હતું કે 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નજીકમાં છે, આથી શિક્ષકો ગેરહાજરી મોટો સવાલ બની જાય છે.



