વિરમગામમાં જીવલેણ હુમલામાં શિક્ષકનું મોત, કારણ જાણશો તો ચોંકી જશો!
અમદાવાદ: વિરમગામમાં રાત્રિના સમયે શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી. શિક્ષકની હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હત્યાની ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ શિક્ષકના વેવાણ સાથેના પ્રેમ સબંધને માનવામાં આવી રહ્યું છે.
વિરમગામ-માંડલ રોડ પર જીવલેણ હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર વિરમગામની જે.જે.શાહ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ ચાવડા પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રાત્રિના સમયે વિરમગામ-માંડલ રોડ પર પેટ્રોલ પંપ નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક કાર ધસી આવી હતી અને હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાસ્થળ નજીકના સીસીટીવીની તપાસ
ઘાયલ થયેલા શિક્ષકને ઘટનાસ્થળ પર હાજર લોકોએ સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે સારવાર દરમિયાન જ ઘાયલ શિક્ષકનું મોત થયું હતું. ઘટનાની જાણ બાદ વિરમગામ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ઘટનાસ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરી હતી. બાદમાં પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવીની તપાસ કરી હતી.
Also read: વિરમગામમાં મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત; રહેણાંક મકાનોને હટાવાયા
ત્રણ લોકો સામે નોંધાઈ ફરિયાદ
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે શિક્ષકને તેના વેવાણ હર્ષાબહેન સાથે પ્રેમ સબંધ હોય તેનાથી નારાજ થઈને વેવાય હર્ષાબહેનના પતિ કલાભાઈ ગોહિલ તેમજ તેમના મિત્રોએ મળીને શિક્ષક પર હુમલો કર્યો હતો. તેમણે શિક્ષકને પાઠ ભણાવવા માટે આ હુમલો કર્યો હતો પરંતુ આ હુમલો શિક્ષક માટે જીવલેણ બન્યો હતો. વિરમગામ ટાઉન પોલીસે હત્યાના બનાવમાં શંખેશ્વર પાટણના રહેવાસી કલાભાઇ ગોહિલ, અજિતભાઈ ગોહિલ તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઇ કટારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.