World Hepatitis Day: ફેશન માટે ટેટૂ ત્રોફાવતા હો તો તમારે આ વાંચી લેવાની જરૂર છે

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીના ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. હજુ ભલે એક દોઢ મહિનાની વાર હોય પણ યુવાનીયાઓ તૈયારીમાં લાગી ગયા છે. ફેશન માટે યુવાનોમાં ટેટૂનો ભારે ક્રેઝ છે, જે નવરાત્રી સમયે વધી જાય છે. વિરાટ કોહલીથી માંડી સૂર્યકુમાર યાદવે જેવા ક્રિકેટર્સ કે સેલિબ્રિટીને જોઈને હાથ, પગ, ગરદન પર ટેટૂની ભારે બોલબાલા છે, પરંતુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે શરીરની શોભા વધારવા માટે કરવામાં આવતા ટેટૂ ક્યાંક તમારા માટે લાંબી બીમારીનું કારણ બની ન જાય. આ વાત કરવાનો આજે ખાસ દિવસ છે. આજે છે World Hepatitis Day.
વિશ્વમાં દર વર્ષે 28મી જુલાઈના રોજ હિપેટાઇટિસની જાગૃતતા અને તેના અટકાવવાના ઉપાયના ભાગરૂપે વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. આજના આધુનિક યુગમા યુવાનો મનગમતી સેલિબ્રિટીનું અનુકરણ કરી વધુ લાઈક્સ મેળવા માટે ટેટૂ ત્રોફાવવાનું ચલણ વધ્યુ છે. પરંતુ જો આ ટેટૂ સુરક્ષિત રીતે કરાવામાં ન આવે તો હિપેટાઈટિસ બી થવાનું જોખમ રહે છે. હિપેટાઈટિસ બી ના પ્રસાર મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમે છે.
મળતી માહિતી અને આંકડા અનુસાર હિપેટાઇટિસમાં ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો સેરોપ્રેવલન્સ રેટ છે. દેશભરમાં હિપેટાઇટિસ બીનો સેરોપ્રેવલન્સ રેટ 0.95 ટકા છે જ્યારે ગુજરાતમાં તે 1.2 ટકા છે. હિપેટાઇટિસ સીની વાત કરીએ તો નેશનલ સેરોપ્રેવલન્સ રેટ 0.32 ટકા છે જ્યારે ગુજરાતમાં આ દર 0.19 ટકા છે. હિપેટાઇટિસ બીના મામલે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશ પછી છઠ્ઠા ક્રમે છે. દેશની મોટાભાગની વસતિ સંભવતઃ હિપેટાઇટિસ બીની બીમારી સાથે જીવી રહી છે અને ઘણીવાર તેમને પોતાની સ્થિતિ અંગે જાણ પણ હોતી નથી, તેમ એક અહેવાલ કહે છે.
હિપેટાઇટિસ બી અને સી કોઈ પણ ઉમરે થઈ શકે છે હિપેટાઇટિસને સરળ ભાષામાં કહીએ તો તે લિવરમાં આવતો સોજો છે જેનું મુખ્યુ કારણ વાઇરસનો ચેપ છે. આ સામાન્ય રીતે અયોગ્ય ભોજન અથવા ખાન-પાનની ચેપી વસ્તુઓથી ફેલાય છે. હિપેટાઇટિસ બી વાઇરસ ચેપી લોહી, સોય અથવા અસુરક્ષિત સંભોગ દ્વારા ફેલાય છે. લિવર પર અસર થવાને કારણે દર્દીને ઊલટી, થાક, પેટમાં દુખાવો, ત્વચાનો રંગ પીળો પડવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે. આ લિવરની સૌથી લાંબી બિમારી છે, જે આગળ જતા લિવરના સિરોસિસ અને કેન્સરનું સ્વરૂપ લે છે. હિપેટાઇટિસ સી વાઇરસ હિપેટાઇટિસ એ અને બી કરતાં વધુ જોખમી છે. તે શરીર પર ટેટૂ બનાવવાથી, દૂષિત લોહી ચઢાવવાથી, ચેપી સોયનો ઉપયોગ અથવા બીજી વ્યક્તિની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી ફેલાય છે. તેના લક્ષણો ગંભીર સ્થિતિમાં થોડા સમય પછી જોવા મળે છે.
હવે વાત કરીએ ટેટૂની. તો તબીબી નિષ્ણાતોના મતે અસુરક્ષિત રીતે ટેટૂ બનાવવાથી હેપેટાઇટિસ થવાનું જોખમ રહે છે. ટેટૂ કરવાના સાધનોની સોય જંતુરહિત અથવા જંતુમુક્ત હોવી જોઈએ. એક ક્લાયન્ટ માટે જે સોયનો ઉપયોગ કરવામાં આવે તે જ સોયથી બીજા ક્લાયન્ટને પણ ટેટૂ ત્રોફવામાં આવે તો સમસ્યા ઉદ્ભવી શકે છે. એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ-બી અને હિપેટાઇટિસ-સીનો ચેપ લાગી શકે છે. આ સાથે જો તે દરેક વખતે ટેટૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી રંગીન શાહીનો નવી બોટલનો ઉપયોગ ન કરે તો શાહીથી પણ વાયરસ ફેલાઈ શકે છે. ટેટૂ ત્રોફાવનારાઓમાં હેપેટાઇટિસ-બીનાપ્રકારનો દર અંદાજે 3.30 ટકા છે. આ ટકાવારી ઓછી નથી અને અને આને ગંભીરતાથી લઈ ટેટૂ આર્ટિસ્ટ અને કલાયન્ટ્સ બન્નેએ સાવચેત રહેવાની જરૂર છે.