Tathya Kand: આજે એક વર્ષ છતાં કાર્ટમાં તારીખ પે તારીખ, ન્યાયની રાહમાં પીડિત પરિવારો
અમદાવાદઃ ગઈ 20મી જુલાઈએ અમદાવાદ એક ભાયનક અકસ્માતના સમાચારો સાથે ઉઠયું હતું. 19મીની રાત્રે એક નબીરાએ પોતાની જેગુઆર કારથી નવ જણને કચડી નાખ્યા હતા. આ ઘટનાને એક વર્ષ થયું છે, પરંતુ પીડિતોના પરિવારની ન્યાયની પ્રતીક્ષા પૂરી થઈ નથી. શહેરમાં એક વર્ષ પહેલા ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો. આજે આ ઘટનાને એક વર્ષ થયુ છે. અત્યાર સુધી કેસમાં ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી. સાત દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાઇ હતી. પીડિત પરિવારો ન્યાય માટે રાહ જોઇ રહ્યાં છે. તેમજ કેસમાં અત્યાર સુધી 35 મુદ્દત પડી છે. જેમાં ટ્રાયલ ચલાવનાર જજ નિવૃત થયા છતાં કેસ પેન્ડિંગ છે.
કેસમાં 191 સાક્ષીઓના નિવેદન લેવાયા
તથ્ય પટેલએ કરેલા અકસ્માત બાદ જેમાં 35 મુદત છતાં તથ્ય સામે ચાર્જફ્રેમ કેમ નહીં, તેવો સવાલ થઈ રહ્યો છે. ટ્રાયલ ચલાવનાર જજ નિવૃત થયા છતાં કેસ પેન્ડિંગ છે. ઉતાવળે ચાર્જશીટ ફાઇલ કરી પરંતુ કેસની સુનાવણી પર પ્રશ્નાર્થ છે. તથ્ય પટેલ સામે 191 સાક્ષીઓના નિવેદન લેવાયા છે., 15 દસ્તાવેજી પુરાવા, નવ લોકોના મોત છતાં હજુ કેસ આગળ વધ્યો નથી.
કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા સરકારે હજુ સુધી માગણી કરી નથી
તથ્ય પટેલ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની જાહેરાત થઈ હતી. પરંતુ સરકારે સ્પેશિયલ કે ફાસ્ટટ્રેક કોર્ટ રચવા કોર્ટ સમક્ષ ક્યારેય રજૂઆત કરી નથી. તથ્ય અને તેના પિતાની રિવિઝન અરજી ક્લબ કરી દેવાઈ છે. જેથી આ કેસમાં જે હુકમ થાય તે સંયુક્ત થાય છે. બંને આરોપીની ભૂમિકા જુદી છે તેથી સરકારે કોર્ટમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે બન્ને કેસ અલગ ચલાવો. આમ થશે તો જ સેશન્સ કોર્ટમાં અલગ ચાર્જ ફ્રેમ થઈ શકશે. ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રમાણે ચાર્જશીટ-ચાર્જફ્રેમ અલગ કરી શકાય છે એવુ કાયદાકીય નિષ્ણાતોનું કહેવુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 19મી જુલાઈ 2023ની રાત્રે ઇસ્કોન બ્રીજ પર એક થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ દરમિયાન તથ્ય પટેલની જેગુઆર કાર આશરે 140 કિમીથી વધુ ઝડપે આવીને રસ્તા પર અગાઉથી થયેલા ઍક્સિડન્ટ પાસેથી પસાર થઈને આઠ લોકોના સ્થળ પર જ મોત નીપજાવી દીધા હતાં, જ્યારે એક વ્યક્તિ હૉસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી, અને પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ઇસ્કોન બ્રિજ પર નવ લોકોને કચડી મારનારા તથ્ય પટેલના કેસને આજે એક વર્ષ પૂરું થયું છે. આ કેસના આરોપી તથ્ય પટેલ સામે એક વર્ષે પણ આરોપનામું ઘડાયું નથી. જેને કારણે કેસનો ટ્રાયલ ચાલુ થઈ શકતો નથી. અકસ્માત પછી મોટાપાયે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેને ઠારવા સરકારે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની ખાતરી આપી હતી, પણ તે થયું નથી.