આસ્થા, લોકસંસ્કૃતિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ એટલે તરણેતરનો મેળો! જ્યાં થાય છે ગંગાજીનું અવતરણ….. | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

આસ્થા, લોકસંસ્કૃતિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ એટલે તરણેતરનો મેળો! જ્યાં થાય છે ગંગાજીનું અવતરણ…..

કંકુવરણી ભોમકા પાંચાળ પર દ્રોપદીના સ્વયંવર તેમજ ગંગાજીના અવતરણ સાથે જોડાયેલુ છે મેળાનું મહત્વ

સુરેન્‍દ્રનગર: ગુજરાત, જે મેળાઓની ભૂમિ તરીકે જાણીતું છે, જ્યાં અનેક લોકમેળા યોજાય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો આ બધામાં શિરમોર છે. વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ આપણી ઐતિહાસિક, પૌરાણિક અને ભાતીગળ સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. તો ચાલો જાણીએ, તરણેતર મેળાનાં પૌરાણિક, ઐતિહાસિક, અને ધાર્મિક મહત્ત્વ વિશે.

‘મેળો’ માત્ર એક ઉત્સવ નથી, પણ માનવ જીવનનો એક ઉમંગભેર ઉજવાતો તહેવાર છે. તે આપણી પરંપરાઓ, કલા અને સંસ્કૃતિને એક મંચ પર રજૂ કરે છે. મેળો એટલે હળવા મળવા માટે પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું. ધર્મની ધજા ફરકાવતા ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ એકઠો થાય છે. મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે.

‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. દરેક મેળાની સાથે તેના મહાત્મ્ય અને જે તે સ્થળની પ્રાચીનતાનો ઇતિહાસ સંકળાયેલો હોય છે. આજે મેળો એક ઉત્સવ બની ગયો છે, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ ઉમંગભેર ભાગ લે છે. દેશનું પ્રત્યેક રાજ્ય આવા મેળાઓથી સભર છે. ગુજરાત, જે મેળાઓની ભૂમિ તરીકે જાણીતું છે, જ્યાં અનેક લોકમેળા યોજાય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો આ બધામાં શિરમોર છે.

તરણેતર નામ કઈ રીતે પડ્યું?

તરણેતર ગામ અને મેળાનું નામ તેના સમૃદ્ધ ઇતિહાસ અને પૌરાણિક કથાઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. સ્કંદપુરાણમાં વર્ણન છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. એક હજાર કમળની પૂજામાં એક કમળ ઓછું પડતાં, ભગવાને પોતાનું જમણું નેત્ર શિવલિંગ પર અર્પણ કર્યું હતું. વિષ્ણુની આ અજોડ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમનું નેત્ર પોતાના કપાળ પર ધારણ કર્યું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા અને આ પવિત્ર સ્થાનનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું.

દ્રૌપદીના સ્વયંવર સાથે પણ છે જોડાણ

મહાભારતકાળની એક અન્ય કથા પણ આ સ્થાન સાથે જોડાયેલી છે. લોકવાયકા મુજબ, દ્રૌપદીનો સ્વયંવર આ જ ભૂમિ પર યોજાયો હતો. જ્યાં અર્જુને નીચે કુંડમાં પ્રતિબિંબ જોઈને પાણીમાં તરતી માછલીની આંખ વીંધી હતી અને દ્રૌપદીને પામ્યા હતા. દ્રૌપદી એટલે કે ‘પાંચાલી’ના નામ પરથી આ ભૂમિને ‘પાંચાળભૂમિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળામાં ખાસ કરીને તળપદા કોળી જ્ઞાતિના યુવક-યુવતીઓ જીવનસાથીની પસંદગી કરવા માટે આવતા હતા, જે લોકજીવનનું એક અનોખું પાસું દર્શાવે છે.

સવારે કુંડમાં થાય છે ગંગાજીનું અવતરણ

તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે. ત્યારબાદ ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે. દંતકથા મુજબ, પાંચ ઋષિઓએ અહીં તપ કરીને ગંગાજીને આ કુંડમાં પ્રગટ થવા માટે આહ્વાન કર્યું હતું. આ પાછળનો હેતુ એ હતો કે પાંચાળ વિસ્તારના લોકો ગંગાજી સુધી જઈ ન શકે તો અહીં જ ગંગાસ્નાનનો લાભ લઈ શકે. આજે પણ, મહર્ષિપંચમીના દિવસે લોકો આ કુંડમાં સ્નાન કરીને પોતાના પિતૃઓનું તર્પણ કરે છે, જેને પુણ્યશાળી માનવામાં આવે છે.

તરણેતર નામ કઈ રીતે પડ્યું?

પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર “દ્વિપકલ્પ” તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો “પાંચાળ” વિસ્તાર છે. પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટુ મહત્ત્વ છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયા અને છેલ્લું ૧ કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયાં અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્ર્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ “તરણેતર” પડ્યું. વાયકા મુજબ, બીજી વખત કણ્વ મુનિનાં ભક્તિનાં પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચમુખ, દશભૂજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્ર્વર મંદિરમાં સ્થાપિત છે.

અર્જુને પાણીમાં માછલીની આંખ વીંધી

પાંચાળ એટલે પૌરાણિક કથાઓનું ઘર. પૌરાણિક કથા અનુસાર, આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે. તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડનાં પાણીમાં પ્રતિબિંબ જોઈ મહાન તીરંદાજ અર્જુને માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય માત્ર પાણીમાં તેના પ્રતિબિંબને જોઈને કર્યું હતું. આ પરાક્રમ દ્વારા દ્રૌપદીને પામીને વિવાહ કર્યા હતા. દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે આ ભૂમિ “પાંચાલભૂમિ” તરીકે ઓળખાયાની લોકવાયકા પણ છે.

તરણેતરનો મેળો લોકસંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ

તરણેતરનો મેળો માત્ર ધાર્મિક કે પૌરાણિક જ નહીં, પરંતુ લોકસંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ છે. આ મેળો સૌરાષ્ટ્રની શૌર્યવાન પ્રજા, ખાસ કરીને માલધારી સમુદાયના લોકોની જીવનશૈલી અને કલાનું પ્રતિબિંબ છે. મેળામાં જોવા મળતા રંગબેરંગી ભરતકામ, આભલાં અને મોતીથી શણગારેલી છત્રીઓ મેળાની શોભામાં વધારો કરે છે. પહેલાના સમયમાં બળદો અને બળદગાડાને શણગારવાની પરંપરા ખૂબ જ પ્રચલિત હતી, જેમાં દરેક ગામના બળદગાડા માટે અલગ-અલગ ઉતારા નક્કી થતા હતા. આ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાઈને મેળાનો ભરપૂર આનંદ લેતા હતા.

ટીટોડો અને હૂડારાસની જામે છે રંગત

ટીટોડો અને હૂડારાસ જેવાં લોકનૃત્યો તરણેતરના મેળાની આગવી ઓળખ છે. ભાદરવા સુદ ચોથના દિવસે મેળામાં યુવાનોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે, જ્યાં રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે છે. આ મેળામાં લોકજીવનનો ઉમંગ, ઉત્સાહ અને લોકસંસ્કૃતિની રંગીન કલાત્મકતાનો સ્વાભાવિક આનંદ છતો થાય છે. તરણેતરનો મેળો એ માત્ર ધર્મ, ઇતિહાસ અને સંસ્કૃતિનો જ નહીં, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં ભૂતકાળ અને વર્તમાન એકબીજા સાથે ભળી જાય છે. આ મેળામાં આવનાર દરેક વ્યક્તિને ગુજરાતની તળપદી સંસ્કૃતિ, કળા અને માનવ સંબંધોની એક અનોખી ઝલક જોવા મળે છે.

તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ

સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી તે સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં જઈ વસવાટ કર્યો. પ્રાગૈતિહાસિક કાળથી આ વિસ્તાર માલધારીઓનો વસવાટ રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કૃતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. તેનું દર્શન પાંચાળમાં થાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે. એક તરણેતરનો મેળો જાય, કે તરત જ બીજા મેળાની તૈયારી શરૂ થઈ જાય. પહેલાના સમયમાં બળદ માટેના શણગાર અને અમુક અમુક ગામના બળદગાડા વખણાતા હતા. તરણેતરનાં મેળામાં રંગબેરંગી ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા- રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે.

આપણ વાંચો: તરણેતરનો મેળો બનશે ખેલ મહાકુંભ: 26 થી 28 ઓગસ્ટ દરમિયાન ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button