સૌરાષ્ટ્રનો લોકપ્રિય તરણેતરનો મેળો આજથી શરૂ: શિવભક્તિ અને લોકસંસ્કૃતિનો સંગમનું જાણો શિડ્યૂલ...
આપણું ગુજરાત

સૌરાષ્ટ્રનો લોકપ્રિય તરણેતરનો મેળો આજથી શરૂ: શિવભક્તિ અને લોકસંસ્કૃતિનો સંગમનું જાણો શિડ્યૂલ…

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. ૨૬ ઓગસ્ટના રોજ પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે ૦૯.૩૦ કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે.

ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન પ્રધાનના વરદહસ્તે કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. ૨૭ ઓગસ્ટના રોજ સાંજે ૫:૩૦ કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. શ્રી નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે.

આ દિવસે રાત્રે ૯:૦૦ કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.

ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૦૬.૩૦ કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે ૮.૩૦ કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.

સવારે ૧૦:૦૦ કલાકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે.

જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે.
રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભાદરવા સુદ છઠ્ઠ તા. ૨૯ ઓગસ્ટના રોજ સવારે ૦૭.૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે ૧૨.૦૦ કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button