એ હાલો, નળ સરોવરને કાંઠે, જ્યાં લાખોની સંખ્યામાં યાયાવર બન્યા છે મોંઘેરા મહેમાન…

અમદાવાદ: શહેરીજીવનથી કંટાળી ગયા હોઈએ તો પ્રકૃત્તિ રાહત આપે છે. તેમાં પણ એક નદી કિનારો અને તેની આસપાસ કલરવ કરતા પક્ષીઓ અને હરિયાળી મળે તો બે દિવસનું વેકેશન પણ તાજગી આપવા માટે પૂરતું છે. ગુજરાતમાં આવી ઘણી જગ્યાઓ છે જ્યાં યાયાવરો મોંઘેરા મહેમાનો બની આવે છે. આમાંની એક જાણીતી જગ્યા છે નળ સરોવર. અમદાવાદથી થોડે દૂર આવેલી આ જગ્યા પ્રવાસીઓમાં પ્રિય છે. હાલમાં દેશ-વિદેશના દોઢ લાખથી વધુ રૂપકડાં પક્ષીઓ દેશ અને વિદેશમાંથી હજારો માઈલની ઉડાન ભરીને અહીં આવે છે.
નળસરોવર અભયારણ્યમાં પાણીની સપાટી પર, ઝાડીમાં, શાંત છીછરા પાણી કીનારા, વૃક્ષો પર સહિતની જગ્યામાં નાના મોટા પક્ષીઓ વસવાટ કરે છે. અહીં કઝાકિસ્તાન, સાઇબિરીયા, અરબ, યુરોપ, આફ્રિકા, થાઇલેન્ડ જેવા સાત સમંદર પારના દેશોમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં નવેમ્બર મહિનાથી આવતા હોય છે. હાલમાં લાખોની સંખ્યામાં અહીં યાયાવરો જોવા મળી રહ્યા છે. ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન કેટલાક અન્ય સ્થળાંતર કરી જાય છે. આ વખતે હાલમાં અંદાજિત 180 જેટલી પ્રજાતિના વિવિધ દોઢ લાખથી વધુ પક્ષીઓ હોવાનું અમદાવાદ જિલ્લા વન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. હાલ રેડ બ્રેસ્ટેડ ગુજ, નામાકુવા ડવ, બ્રિડલ ટર્ન, ઇરોપિયન સ્ટાલિંગ, ગ્રેટર ફ્લેમિંગો, સુટી ટર્ન, બ્રાઉન નોડી, બ્લ્યુ ફ્લાય કેચર, મર્લિન ફ્લાય કેચર, બ્રાઉન બ્રેસ્ટેડ વગેરે રંગબેરંગી પક્ષીઓ સહિત અન્ય જાતિના પક્ષીઓ નિહાળવા માટે ખાસ દેશ વિદેશના પર્યટકો, પક્ષીવિદ્દો નળસરોવર આવે છે. નળ સરોવરનું વાતાવરણ અમુક લુપ્ત થતી પ્રક્ષીઓની પ્રજાતિને અનુરૂપ આવતું હોવાથી ક્યાંય ન જોવા મળતા પક્ષી પણ અહીં જોવા મળે છે, તેવું નિષ્ણાતોનું કહેવાનું છે.
અહીં આવતા પ્રવાસીઓને વન વિભાગ દ્વારા ખાસ નિવેદન કરવામાં આવે છે કે તેઓ પ્લાસ્ટિકનો કચરો ન કરે, ઘોંઘાટ ન કરે અને પક્ષીઓને કઈપણ ખાવાપીવા ન આપે, જેથી તેઓ અહીં સવલતથી રહી શકે.