આપણું ગુજરાત

કમોસમી વરસાદથી કેસર કેરીને મોટું નુકસાન, ભાવ તળિયે પટકાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

તાલાળા: સમગ્ર રાજ્યની સાથે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદે (Unseasonal Rain) ખેડૂતોને ભારે આર્થિક ફટકો માર્યો છે. આ અણધાર્યા વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રની ઓળખ ગણાતી કેસર કેરીના (Kesar Mango) પાક પર જોવા મળી છે. ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે કેરીના બગીચાઓમાં મોટા પ્રમાણમાં પાક ખરી પડ્યો હતો, તો જે કેરી ઝાડ પર રહી છે તે પણ કમોસમી વાતાવરણના કારણે બગડી રહી છે. આ પરિસ્થિતિએ ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે, અને તેમના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

કેસર કેરીનો ભાવ ઘટીને 500 થી 700 રૂપિયા

કેસર કેરીના હબ તરીકે પ્રખ્યાત ગીર સોમનાથ જિલ્લાનાં તાલાળા માર્કેટિંગ યાર્ડમાં (Talala APMC) કમોસમી વરસાદની સીધી અસર જોવા મળી રહી છે. અહીં કેસર કેરીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજથી દસ દિવસ પહેલાં જે કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો ભાવ 1000 થી 1500 રૂપિયા સુધી બોલાતો હતો, તે હવે ઘટીને માત્ર 500 થી 700 રૂપિયા થઈ ગયો છે. ભાવમાં આટલો મોટો ઘટાડો થવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ

ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે કેરીની ગુણવત્તા પર પણ અસર પડી છે. જે કેરી બજારમાં વેચવા લાયક રહી છે તેના પણ ઓછા ભાવ મળી રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતો માટે તેમના ઉત્પાદન ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ બની ગયું છે. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને કેરી પકવતા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. કમોસમી વરસાદે કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button