10 વર્ષનું દર્દ ભૂલી ધનતેરસે દિવાળી માણી: હિંમતનગરના શેરડી ટીંબા ગામે પીડિત પરિવારની ‘ઘરવાપસી’…

હિંમતનગરઃ વર્ષ 2016માં હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શેરડી ટીંબા ગામમાં દરજી કુટુંબનાં બે વ્યક્તિ (પતિ-પત્ની)ની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા રાખી કેસ દાખલ કરવામાં આવ્યો હતો; જે કેસ એડી. સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને આજીવન સખત કેદની સજા કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા ભોગ બનનારના કુટુંબના ચાર સભ્યોને વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2019 (ભોગ બનનારને વળતર) અન્વયેની યોજના હેઠળ વળતર મંજૂર કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગરે ભલામણ કરી હતી.
જે અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગરના અધ્યક્ષ કે. આર. રબારી (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ) દ્વારા ભોગ બનનારને વળતર નક્કી કરવા સંબંધે મિટિંગ તથા યોગ્ય કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તેઓના માર્ગદર્શન હેઠળ વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2019ની કમિટીના સભ્યો તરીકે સચિવ સી.પી. ચારણ (ન્યાયાધીશ), જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કલેક્ટર, લલિત નારાયણસીંગ સાંધુ, જિલ્લા પોલીસ વડા , ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ તથા સિવિલ સર્જન ડૉ. બી. એમ. પટેલ સાથે મિટિંગ કરી સર્વાનુમતે ભોગ બનનાર કુટુંબના ચાર સભ્યોને કુલ બે વ્યક્તિના મરણ બદલ મહતમ રૂ. 10-10 લાખ મુજબ કુલ રૂ. 20 લાખ વળતર તરીકે મળવાપાત્ર થાય છે; જેથી, તે મુજબનો હુકમ કરવામાં આવેલ છે.
આ ભોગ બનનાર કુટુંબના ચાર સભ્યોએ પોતે ભૂતકાળમાં ભોગવેલ માનસિક તથા સામાજિક યાતના તથા જીવન નિર્વાહમાં પડતી મુશ્કેલીઓની હકીકતો જણાવી હતી અને તેઓ પોતાના પુત્ર તથા પુત્રવધુના મરણ બાદ ગામ છોડી છેલ્લા 10 વર્ષથી બીજા ગામે ભાડાનાં મકાનમાં વસવાટ કરતા હતા.
ભોગ બનનાર કુટુંબે પોતાના ગામનું ઘર અને ખેતી છોડી દીધેલ હતી. અને હવે તેઓએ કચેરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગરની મુલાકાત દરમિયાન આ દિવાળી પોતાના ઘરે શેરડી ટીંબા ગામે કરવા માંગતા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગર તથા ગાંભોઈ પોલીસના સહયોગથી ભોગ બનનારના વૃદ્ધ દાદા-દાદી તથા હાલ કોલેજમાં અભ્યાસ કરતા યુવાન પૌત્ર અને પૌત્રી કે જેઓ હાલમાં કોલેજમાં અભ્યાસ કરે છે.
તેઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગર, ગામના સરપંચ, આગેવાનો તથા ગ્રામજનોને ભેગા કરી, મુલાકાત કરી આ પરીવારનું પુનઃસ્થાપન કરવાનું હોય, તેને લગતી અગવડતા કે હેરાનગતિ ભવિષ્યમાં ઊભી ના થાય તે માટે ગ્રામજનો તથા સામાજિક આગેવાનોની હાજરીમાં દિવાળીના તહેવાર પહેલા ધનતેરસના દિવસે ભોગ બનનાર પરિવારને તેમના ગામ શેરડી ટીંબામાં પુનઃવસવાટ કરવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવાર પૂર્વે, ધનતેરસના શુભ દિવસે સન્માનપૂર્વક તેમના વતન શેરડી ટીંબામાં પુનઃવસવાટ કરતાં ભોગ બનનાર પરિવારને કાનૂની ન્યાય અને સામાજિક સુરક્ષા પૂરી પાડતી આ સરાહનીય કામગીરી એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.