ગુજરાતમાં આ 4 લોકસભાની સીટ માટે સસ્પેન્સ યથાવત: જાણો ભાજપની શું છે રાજકીય મુશ્કેલી?
નવી દિલ્હી/ ગાંધીનગર: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તેના ઉમેદવારોની જાહેર કરી રહ્યું છે. ભાજપે આજે લોકસભાના નવા 7 નામો જાહેર કરતાં કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. જો કે હજુ પણ 4 સીટો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, આ બેઠકોમાં અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માગે છે તેથી ખુબ જ સાવધાનીપૂર્વક ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. હવે આ 4 સીટો પર ક્યાં કોકડું ગુચવાયું છે તે જાણવું રસપ્રદ બની રહેશે.
ભાજપ માટે અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર સીટ માટે ઉમેદવારો જાહેર કરવામાં સૌથી મોટી મુશ્કેલી જાતિ સમીકરણો ઉપરાંત પાર્ટીનું આંતરિક રાજકારણની છે. જેમ કે મહેસાણામાં અનિલભાઈના પત્ની અને વર્તમાન સાંસદ શારદાબેન પટેલે આ બેઠક પર ચૂંટણી લડવાની પહેલાંથી ના પાડી છે. તે જ રીતે નીતિન પટેલે આ બેઠક પર દાવેદારી કરી હતી પણ હાઈકમાન્ડના દબાણથી તેમને આ દાવેદારી છોડી દીધી છે. મહેસાણામાં પાટીદાર અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. હાલ મહેસાણા સીટ માટે ડો. એ.કે પટેલના પુત્ર એવા ડૉક્ટર ધનેશ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલનું નામ પણ ટિકિટ માટે ચર્ચામાં છે, તો બીજું એક મોટું નામ કડી વિદ્યાલયના સરદારભાઈનું છે તે પણ આ બેઠકના પ્રબળ દાવેદાર ઉમેદવાર ગણી શકાય છે.
સુરેન્દ્રનગરમાં પણ કોને ટિકિટ આપવી એ મુદ્દે પાર્ટીમાં અવઢવની સ્થિતી છે. સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા છે. ભાજપ એમને રીપિટ કરે તેવી સંભાવના ઓછી છે. હાલના સાંસદ ડો. મહેન્દ્ર મુજપરા સામે સૌથી મોટો વિરોધ ફરિયાદ સ્થાનિક કાર્યકરોનો છે, તેઓ ક્યારેય પ્રજાનું કામ હોય ત્યારે જનતાની વચ્ચે રહ્યા નથી. આ બેઠક માટે પહેલાં આ સીટ પર કુવરજી બાવળિયાનું નામ ચાલ્યું હતું પણ તેઓએ જાહેરમાં ચોખ્ખી ના પાડી દીધી હતી, હવે પાર્ટી જસદણના ડો. ભરત બોઘરા કે શંકરભાઈ વેગડના નામ અંગે ચર્ચા કરી રહી છે.
અમરેલી બેઠક પર વિવાદ વધ્યો છે. અમરીશ ડેરને ભાજપે કેસરિયો પહેરાવતાં આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો એ સમસ્યા બની ગઈ છે. અમરેલીમાં ત્રણ ટર્મથી ચુંટાતા નારણ કાછડીયાને પડતા મૂકવામાં આવશે તે હવે સ્પષ્ટ થઈ ગયું પણ તેમના સ્થાને તો પાટીદાર સમુદાયના કયા ઉમેદવારને પસંદ કરવા તેને લઈને પાર્ટીમાં અશમંજસની સ્થિતી જણાણી રહી છે. જેમ કે સાંસદ બનવા માટે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા જુના અને જાણીતા બાવકુ ઉધાડ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી દાવેદાર છે ત્યારે નવું નામ જિલ્લા પંચાયત હાલના પ્રમુખ ભરત સુતરીયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.