દાહોદમાં પણ કોલેરાનો પગ પેસારો, બાળકીનું શંકાસ્પદ મોત
દાહોદઃ ગુજરાતમાં વરસાદના વિરામ બાદ પાણીજન્ય રોગચાળોમાં વધારો થયો છે. સાથે સાથે મચ્છરના કારણે પણ લોકોની તબિયત બગડી રહી છે, દાહોદ(Dahod)ના નાની લછેલી ગામમાં શંકાસ્પદ કોલેરાથી બાળકી(Death due to Cholera)ના મોતની આશંકા સેવાઈ રહી છે, બાળકીને કોલેરાની સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે. ગતરોજ 10 બાળકોને તાવ અને ઝાડા ઉલટીની અસર થઈ હતી જેના કારણે તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, ગામમાં શંકાસ્પદ કોલેરાના કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
આરોગ્ય વિભાગ દોડતુ થયુ:
દાહોદના નાની લછેલી ગામમાં શંકાસ્પદ કોલેરા અને રોગચાળાને અંગે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને દર્દીઓની હિસ્ટ્રી સહિતનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે, ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગ દ્રારા સર્વે શરૂ કરાયો છે સાથે સાથે નાના બાળકોનુ સ્વાસ્થ્ય પણ તપાસવામાં આવી રહ્યું છે. ગામમાં શંકાસ્પદ કોલેરાના કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
ગામમાં દવાનો છંટકાવ:
આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે જે લોકોને પાંચ દિવસ કરતા વધારે સમયથી તાવ આવે છે તેવા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, આરોગ્ય વિભાગને શંકા છે કે ગામમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળી જતા હોવાની શંકા છે જેના કારણે ઝાડા ઉલટીના કેસો ના વધે તે માટે ગ્રામપંચાયતમાં જાણ કરવામાં આવી છે.
વિરામ બાદ મચ્છરનું ઉપદ્રવ વધ્યો છે:
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, સ્વાસ્થ્ય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પતિ વધી જાય છે.
ઘણા શહેરોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા:
આ પહેલા ગુજરાતમાં વરસાદની સાથે સાથે ઘણી જગ્યાએ કોલેરાના કેસ નોંધાયા હતાં. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક મહિનામાં કોલેરાના 100થી વધુ કેસ સામે આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતુ અને ઘણા શહેરોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતાં.