પાલનપુરમાં બે સર્વેયર રૂ. એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા…
બનાસકાંઠાઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યમાં અઠવાડિયામાં સરેરાશ બે થી ત્રણ લાંચિયા લોકો એસીબીની છટકામાં ઝડપાઈ રહ્યા છે.
બનાસકાંઠાના પાલનપુરમાં બે લાઇસન્સ સર્વેયર રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા હતા.
આ પણ વાંચો : માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે ગદ્દારી, ઓખાથી ઝડપાયેલા જાસૂસની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
ફરીયાદીની ખેતીની જમીન પ્રમોલગેશન થતાં ક્ષેત્રફળમાં ફેરફાર થયો હતો. જે સુધારો કરવા ડી.આઈ.એલ.આર. (જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરીમાં અરજી આપી હતી. જે અરજી તપાસ સારું સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ભાવેશકુમાર દલપતભાઈ પાતાણીને ફાળવતા તેમણે તથા રામાભાઇ લક્ષ્મણભાઈ ચૌધરી ફરિયાદીની જમીન માપણી કરી હતી. જે બાદ બંને આરોપીઓએ ભેગા મળી રૂ.૧,૦૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી. આ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જે બાદ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી અને રામાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી ફરિયાદી સાથે સ્થળ ઉપર વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.
આ પણ વાંચો : ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, સંવેદનશીલ માહિતી મોકલતો જાસૂસ ઝડપ્યો…
આ પહેલા રાજ્યમાં સતત બે દિવસ બે લાંચિયા અધિકારી એસીબીના જાળમાં સપડાયા હતા. મોરબી સિટી મામલતદાર કચેરીમાં કાર્યરત તલાટી મંત્રી રૂપિયા 4000ની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાયો હતો. બુધવારે સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, જી.એસ.ટી. ભવન, વાપી ખાતે ફરજ બજાવતા સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-2 (ગૃપ-બી) યશવંત રાજેન્દ્ર ગેહલોત રૂ.40,000ની લાંચ લેતા ઝડપાયા હતા. લાંચ લેતા ઝડપાયેલા આ અધિકારી મૂળ મધ્યપ્રદેશના થાના-બાણગંગાના રહેવાસી છે. સીજીએસટીમાં ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં યશવંત રાજેન્દ્ર ગેહલોતનો પગાર 75 હજાર રૂપિયા હતો.