પાટનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે
અમદાવાદ: પાટનગર ગાંધીનગરમાં જુદાજુદા દસ સ્થળોએ કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન માટે સર્વે ચાલુ કરાયો છે. વર્ષ ૨૦૧૪ના સર્વે મુજબ પાટનગરમાં અઢી હજાર ઉપરાંત ઝૂંપડાઓ હોવાનું બહાર આવ્યુ હતું. બીજા દસ વર્ષમાં પ૦૦ ઉપરાંત ઝૂંપડા વધ્યા હોવાનો અંદાજ છે. સાચો આંકડો સર્વે બાદ બહાર આવશે.
ગાંધીનગરમાં કોર્પોરેશન દ્વારા ઝૂંપડાવાસીઓના પુનર્વસન અને પુન:વિકાસ માટે નવી નીતિ નક્કી કરવામાં આવી હતી. લઘુતમ ૨૫ ચોમી સુધીના કાર્પેટ વિસ્તારના તમામ મૂળભૂત સુવિધાઓવાળા મકાનો મફતમાં ઉપલબ્ધ કરાવવાની બાબતનો આ નીતિમાં સમાવેશ છે. તેનું મહેકમ પણ મંજૂર કરી દેવાયું છે.
શહેરમાં વસતા ગરીબો માટે પ્રથમ તબક્કામાં અલગ-અલગ એવા દસેક સ્થળો ઉપર આવેલા કાચા-પાકા ઝૂંપડાઓના સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. સર્વે બાદ સરકારની સ્લમ રિહેબીલીટેશન પોલિસી અંતર્ગત લાયકાત ધરાવતા ઝૂંપડાવાસીઓને સુવિધાયુક્ત પાકા મકાનો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ભૂતકાળમાં કોલવડા પાસે આ જ રીતે શહેરમાં ઝૂંપડાઓમાં વસતા લોકોને પુનર્વસન કરવા વિવેકાનંદ નગર બનાવવામાં આવ્યું હતું અને મકાન ફાળવવામાં આવ્યા હતા. જોકે એ પછી પણ શહેરમાં ઝૂંપડાઓનું દબાણ સતત વધતું જાય છે. વર્ષ ૨૦૧૪માં થયેલા સર્વે મુજબ પાટનગરની ૨.૧૮ લાખ ચોમી જમીન પર ત્રણ હજાર ઉપરાંત ગેરકાયદે ઝૂંપડાઓનું દબાણ ઊભું થયેલું છે. તાજેતરમાં જ ધોળાકૂવા, ફતેપુરા સહિતના વિસ્તારમાંથી ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં સેક્ટર-૭માંથી જ ૭૫ જેટલા ઝૂંપડા વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ દરમિયાન હટાવવામાં આવ્યા હતા. દસ વર્ષે પૂર્વેનો જે સર્વે છે તે મુજબ, ધોળાકૂવા, જીઈબી ગેટ, ચરેડીના છાપરા, ચરેડી ચાર રસ્તા, સે-૨૮ આદિવાડા, સે-૨૪ ઈન્દિરાનગર, સે-૧૩ના છાપરા, ભાટ, કોબા, રાયસણ સિગ્નેચર બ્રિજ જેવા આ દસ જેટલા સ્થળોએથી ૨૫૯૨ જેટલા ઝૂંપડા મળી આવ્યા હતા. આ સર્વે બાદ છેલ્લા દસેક વર્ષમાં બીજા પાંચસો ઉપરાંત ઝૂંપડા વધ્યા હોવાનો અંદાજ છે.