સતત જીવન ગૂંગળાઈ છે પણ કોને પડી છેઃ સુરતમાં ટાંકી સફાઈ કરતા ચારના મોત

સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટ દ્વારા ગટરમાં ઉતરી કે પાણીની ટાંકીમાં ઉતરી સફાઈ કરતા કમદારોના મોત મામલે સતત ફટકાર મળતી હોવા છતા અને તેમના રક્ષણના સખત નિમયો હોવા છતાં વારંવાર સફાઈકર્મીઓના જીવ જોખમમાં મૂકાતા જાય છે, પરંતુ તે ગરીબ પરિવારોનું કોણ સાંભળે? આવી ઘટનાઓ જ્યારે પણ બને ત્યારે સરકાર બે દિવસ હરકતમાં આવી જાય છે, પરંતુ ઘટનાઓ રોકાતી નથી. આવી ઘટના ફરી સુરતમાં બની છે અને ચાર જણે જીવ ખોયા છે જ્યારે ચાર પરિવારો હંમેશાં માટે શોકમાં ગરકાવ થયા છે.
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમા ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળાઈ જવાના કારણે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા કામરેજ ફાયર અને બારડોલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ઘરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ નજીક આવેલી એક મિલમાં બનાવામાં આવેલી ઊંડી ટાંકીમાં ચાર જેટલા શ્રમિકો સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન તેઓને ગુંગળામણ થઈ હતી. જેને પગલે બારડોલી ફાયર વિભાગ અને કામરેજ ઈઆરસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ ઊંડી ટાંકીમાં ઉતરી શ્રમિકોને શોધવાની તજવીજ હાથ ધરી રાજેશ, કમલેશ, શાહનવાઝ અને દિપક નામના ચાર કામદારોને મૃત હાલતમાં બહાર કાઠ્યા હતાં. દૂષિત પાણીને શુદ્ધ કરવાની ટાંકી સાફ કરવા પ્રથમ બે કામદારો ઉતર્યા હતા. લાંબા સમય સુધી તેઓ બહાર નહીં આવતા અન્ય બે કામદારો અંદર જોવા જતા તેઓ ગૂંગળામણને લીધે મોતને ભેટ્યા હતા. ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતાં.