જૂની-ખંડિત દેવી-દેવતાઓની મૂર્તિઓ માટે સુરત મનપાની અનોખી પહેલ
સુરત: દિવાળીનો તહેવાર આવે એટલે દરેક ઘરોમાં સાફસફાઇ સહિતની પ્રવૃત્તિઓ ધમધમવા લાગે છે ત્યારે અનેક ઘરોમાં ભગવાનના જૂના ફોટો તથા ખંડિત થયેલી મૂર્તિઓનો કઇ રીતે ધાર્મિક પરંપરાઓને અનુસરીને વિસર્જિત કરવું તેનો લોકોને ખ્યાલ હોતો નથી.
આ બાબતમાં વધી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ કર્યો છે જેમાં શહેરીજનો પાસેથી ભગવાનના ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ તથા ફોટો પાલિકાની વોર્ડ ઓફિસ પાસે સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, એકત્રિત કરાયેલા આ ફોટો તથા મૂર્તિઓનું લોકોની લાગણી દુભાય નહીં એ રીતે યોગ્ય પ્રકારે વિસર્જન કરવામાં આવશે.
આ અંગે સુરતના મેયર દક્ષેશ માવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અઠવાલાઈન્સ વોર્ડ ઓફિસ ખાતેથી દેવી-દેવતાઓના જુના ફોટા સ્વીકારવા માટેનું અભિયાન શરૂ કરાવ્યું છે.
આ અભિયાનને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં લોકો અલગ અલગ ઓફિસમાં 180 જૂના ફોટા જમા કરાવી ગયા છે અને વોર્ડ ઓફિસ દ્વારા લોકોની લાગણી ન દૂભાય તેમ રીતે ધાર્મિક વિધિથી ફોટાનું વિસર્જન કરવા તથા રિસાયકલિંગની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી છે.
અનેકવાર ભગવાનની જૂની મૂર્તિઓ શહેરમાં રસ્તા પર વૃક્ષો પાસે તથા નદીકિનારે રખડતી હાલતમાં મળી આવતી હોય છે, આ વર્ષે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા (મનપા)એ સરાહનીય પહેલ કરી હતી.