ઈદ અને ગણપતિ વિસર્જન- સુરતમાં જડબેસલાક સુરક્ષાચક્ર; સોશિયલ મીડિયા પર બાજ નજર

ગુજરાતમાં સોમવારે ઈદ-એ મિલાદનું પર્વ છે તો મંગળવારે અનંત ચૌદસના પવિત્ર દિવસે ગણપતિ વિસર્જન છે. ગુજરાત પોલીસે રાજ્યના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ખાસ સુરક્ષા ચક્ર ઊભું કર્યું છે.ગત સપ્તાહે સુરતના સૈયદપુરા,વરીયાવી બજારમાં ગણપતિ પંડાલમાં કેટલાક વિધર્મીઓ દ્વારા જે હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેવું પૂર્વનિયોજિત કાવતરું થયા બાદ,પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે. સોમવારે ઈદ અને મંગલવારે બાપ્પાની વિસર્જન યાત્રા દરમિયાન
સીસીટીવી કેમેરા, બોડી વોર્ન, ડ્રોમ કેમેરાથી પણ શહેર આખાની વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી, રેપિડ એક્શન ફોર્સ મળી 15 હજારથી પણ વધુ જવાનો વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે.
સુરતના ભાગળ વિસ્તારમાં રવિવારે પોલીસે ફ્લેગ માર્ચ થકી રિહર્સલ કર્યું હતું. આ બંને દિવસો દરમિયાન સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર રહેશે. માત્ર સુરત જ નહીં પરંતુ ભરુચ,વડોદરા, આણંદ,સહિતના શહેરો અને કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ પ્રયત્નો કરશે.

શહેરના સૈયદપૂરમાં કોમી શાંતિમાં પલીતો ચાંપનારા બનાવની રાત્રે જ ઝડપાઇ ગયા હતાઅને લગભગ 200 જેટલા શકમંદ સામે પોલીસે પગલાં લીધા છે. પોલીસે પાલિકા, વીજ કંપની સહિતની એજન્સીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી વિસર્જન રૂટની પણ સતત ચકાસણી કરી રહી છે. તદુપરાંત,કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ, વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો : મોદી 41 કલાક ગુજરાતમાં: તમે જે જાણવા માંગો છો તે બધુ જ અહીં…
દરમિયાન આજે સુરત પોલીસ કમિશનર સહિતના મોટા પોલીસ કાફલા અને રેપિડ એક્શન ફોર્સની જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરાયો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સોમવારે ઈદના જુલુસ નીકળનાર છે. અંદાજે 144 જેટલા ઇદના જુલુ, નીકળશે પણ તે કોઈ રાજમાર્ગ કે મુખ્ય માર્ગ પર નહીં આવે. જ્યારે બીજા દિવસે વિસર્જન હોવાથી 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે. જેને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. કમિશનર ગહલોટે જણાવ્યુ હતું કે, સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપો. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા પકડાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઈદ અને વિસર્જનને લઈને સોશિયલ મીડિયા પર સુરત પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.