વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સુરત મોખરે, રાજકોટ પણ TOP-10 માં…

સુરત/રાજકોટઃ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે પરંતુ આગામી સમયમાં રાજ્યમાં સુરત અને રાજકોટ ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે માન્યતા મેળવે તો કાંઈ નવાઈ પામવા જેવું નથી. ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ અને ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના ડેટા મુજબ, 2019-35 દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ભારતના ટોપ-10 શહેરોમાં ગુજરાતના બે શહેરોએ મેદાન માર્યું છે. જે મુજબ સુરત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
વૈશ્વિક રોકાણકારો માટે હોટસ્પોટ બનશે આ શહેરો
રિપોર્ટ મુજબ શહેરોનું કદ બમણું થવાથી ઉત્પાદકતામાં 12 ટકાનો વધારો થાય છે. જેનો સીધો લાભ ગુજરાતને મળી રહ્યો છે. જ્યારે ભારત 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના આ શહેરો માત્ર રહેઠાણ માટેના સ્થળો નથી પરંતુ ‘ઈકોનોમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ તરીકે ઉભરી આવ્યા છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરો આવનારા દાયકામાં વૈશ્વિક રોકાણકારો માટે હોટસ્પોટ બની રહેશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોક્સભામાં રજૂ કરેલા આર્થિક સમીક્ષા-રિપોર્ટ મુજબ 2019-2035 ના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા શહેરોમાં ભારતના ટોપ-10 શહેરોમાં પ્રથમ નંબરે સુરત છે. જેનું કારણ એ છે કે, વિશ્વમાં સુરત એક એવું શહેર છે કે, 2019-2035ના સમયગાળામાં તેનો ગ્રોથ (વિકાસ) વાર્ષિક 9.17 ટકા જેટલો હશે.
વર્ષ 2018માં તેની વાર્ષિક આવક (GDP) 28.5 બિલિયન ડોલર-(રૂ. 2,61,977 કરોડ) હતી. જે હવે વર્ષ 2035માં વધીને 126.8 મિલિયન ડોલર (३. 11,65,480 કરોડ) થશે. આમ તો, 2035માં બેંગાલુરુ અને તિરુચીરાપલ્લીની કુલ વાર્ષિક આવક સુરત કરતા વધુ હશે પરંતુ તેનો વાર્ષિક વિકાસ દર સુરત કરતા ઓછો હશે અર્થાત વાર્ષિક વિકાસ દરની દષ્ટિએ સુરત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સુરત પ્રથમ ક્રમનું શહેર હશે.
એવી જ રીતે વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકાસ કરનારા ટોપ-10 શહેરોમાં રાજકોટ 7મા નંબરે છે, કેમકે તેનો વાર્ષિક વિકાસ દર 2019-2035 દરમિયાન 8.33 ટકા હશે. 2018માં રાજકોટનું GDP (કુલ વાર્ષિક આવક) 6.8 બિલિયન ડોલર (રૂ. 62,503 કરોડ) હતું. જ્યારે તે વર્ષ 2035માં 26.7 બિલિયન ડોલર (રૂ.2,45,434 કરોડ) હશે. અહીં નોંધનીય છે કે, વિશ્વમાં સૌથી વધુ ઝડપી વિકાસ પામનારા ટોપ-10 શહેરોમાં ભારતના જે 10 શહેરોનો સમાવેશ કરાયો છે, તેમાં પ્રથમ સુરત, બીજા ક્રમે આગ્રા, ત્રીજા ક્રમે બેંગાલુરુ, ચોથા ક્રમે હૈદરાબાદ, ત્યારબાદ નાગપુર, તિરુપુર, રાજકોટ, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ અને 10મા નંબરે વિજયવાડાનો સમાવેશ થાય છે.
સુરત 9.17 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે
વર્ષ 2018માં સુરતનો જીડીપી આશરે 28.5 બિલિયન ડોલર હતો. જે 2035 સુધીમાં વધીને 126.8 બિલિયન ડોલર થવાનો અંદાજ છે. ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ બાદ હવે આ શહેર આધુનિક સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગમાં પણ કાઠું કાઢી રહ્યું છે.
રાજકોટ 8.33 ટકાના વાર્ષિક વૃદ્ધિ દરે આગળ વધી રહ્યું છે
એન્જિનિયરિંગ હબ તરીકે જાણીતા રાજકોટનો જીડીપી 2035 સુધીમાં 26.7 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. રોડ કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટની ઉત્તમ સુવિધા, ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ વિકાસને વેગ આપશે.



