સાથી પોલીસકર્મીના હત્યારાને શોધવા સુરત પોલીસએ લીધો આ વેશ અને…
સુરતઃ શહેર પોલીસ ઑપરેશન ફરાર હેઠળ ગંભીર ગુના કરનારા અને ભાગી ફરાર થયેલા આરોપીઓને શોધવાની મોહિમ હાથ ધરી છે. તાજેતરમાં 19 વર્ષ બાદ રાજૂ પવાર નામના એક આરોપીને પકડ્યો છે. આ આરોપી પોલીસ માટે વધારે મહત્વનો હતો કારણ કે તેણે એક પોલીસકર્મીની જ હત્યા કરી હતી.
સુરત પોલીસને બાતમી મળી હતી કે રાજૂ પવાર ભિખારીઓ સાથે મુંબઈના કુર્લા-ઘાટકોપરમાં રહે છે અને ભીખ માગે છે. મુંબઈમાં સ્ટેશન પાસેના ભિખારીઓની સંખ્યા જોતા પોલીસએ પોતે જ ભિખારીનો વેશ લીધો અને ત્રણ દિવસ અહીંના સ્ટેશન અને જાહેર વિસ્તારો આસપાસ તપાસ કરી. જોકે રાજૂ ક્યાંય મળ્યો નહીં. તે બાદ પૂછપરછ કરતા તેમને જાણવા મળ્યું કે રાજૂ અહીં જ ભીખ માગે છે પણ હાલમા તે પોતાના વતન કરજત ગયો છે. પોલીસે એક મિનિટ ન વેડફી ને કરજત રવાના થઈ. ત્યાં સ્થાનિક પોલીસની મદદથી રાજૂને પકડી પાડ્યો. જોકે હજુ સમસ્યાઓ હતી જ. 19 વર્ષ બાદ કોઈ આરોપીની ઓલખાણ કરવી અને તે વ્યક્તિ તે જ છે તે સાબિત કરવું અઘરું છે. વિવિધ પુરવાઓ દ્વારા પોલીસએ આ સાબિત કર્યું અને રાજૂ પકડાઈ ગયો.
રાજૂએ 2004માં સુરત જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના એક કર્મીની પત્થર અને તિક્ષણ હથિયાર વડે હત્યા કરી હતી. અન્ય સાથીઓ સાથે ચોરી કરવા ગયેલા રાજૂને પોલીસકર્મીએ પકડી લેતા રાજૂએ તેને મારી નાખ્યો હતો. તે બાદ તેને જેલમાં પૂરવામાં આવ્યો હતો, પરંતુ રાજૂ ગમે તે કરી ચાવી ચોરી જેલમાંથી ભાગી છૂટ્યો હતો. આ રાજૂ પવાર બીજા આઠ ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી મળી છે.