સુરતમાં 8.6 કરોડના કાચા સોના સાથે પોલીસે બે શખ્સોની અટકાયત કરીઃ આઠ પેકેટ કબજે કર્યા
Surat News: સુરતમાં પોલીસ દ્વારા સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે 8.6 કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આરોપીઓએ કાચા સોનાના નાના-મોટા ટૂકડા અને બિસ્કિટને કપડામાં છૂપાવ્યા હતા. તેઓ પાસેથી સોનાનો કોઈ દસ્તાવેજ નહીં મળતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાતમીના આધારે ગોઠવી હતી વોચ
સુરતના સીમાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં બે શખ્સો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે. બાતમી મળતાં પોલીસે તરત કાફલો તૈયાર કર્યો અને કારને પકડવા વોચ ગોઠવી હતી.
પોલીસે શંકાસ્પદ ગાડીને જોઈ તેને તાત્કાલિક રોકી ડ્રાઈવર અને બાજુની સીટ પર બેસેલા શખ્સોને નીચે ઉતારી તેમની પૂછપરછમાં શખ્સોએ પોતાના નામ હિરેન ભટ્ટી અને મગન ધામેલીયા હોવાનું જણાવ્યું હતું. તેમની તપાસ કરતા બંને શખ્સોના શર્ટ અને પેન્ટમાં કાચા સોનાના અલગ-અલગ પેકેટ છુપાવેલા મળ્યા હતાં. પોલીસે બંને શખ્સો પાસેથી કુલ 15.409 કિલોગ્રામ કાચા સોનાના નાના-મોટા ટુકડા તથા બિસ્કિટ કબ્જે કર્યા હતાં. જેની કિંમત રૂ. 8,57,96,282/- હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી કાચા સોનાના માલિકીની પુષ્ટિ માટે દસ્તાવેજો રજૂ કરવા કહ્યું પરંતુ, તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
આ પણ વાંચો : ગુજરાત માટે ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન…
પોલીસની પૂછપરછમાં બંને શખ્સોએ કહ્યું કે, તેઓ મહિધરપુરા વિસ્તારમાંથી આ સોનાનો જથ્થો ઊભેળ પાસે આવેલી ફેક્ટરી સુધી લઈ જવા માટે નીકળ્યા હતા. બંને આરોપીઓની અટકાયત કરી પોલીસે કબજામાં લેવાયેલ તમામ સોનાને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યું હતું.