Surat crime: પત્નીનું કાસળ કાઢી પતિએ આવી સ્ટોરી તો બનાવી પણ…
સુરતઃ દેશમાં થતાં ગુનાઓને પર્દાફાશ કરવામાં ડોક્ટરો ને તીબીબી નિષ્ણાતોની ખાસ ભૂમિકા હોય છે. સુરત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં ડોક્ટરની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. અહીં એક પતિ પોતાની પત્નીને લઈને આવ્યો હતો અને બાથરૂમમાં પડી જવાનું કહ્યું હતું, પરંતુ તબીબોને તેની વાત ગળે ન ઉતરતા તેણે પોલીસને ફોન કર્યો હતો અને મહિલાનો અકસ્માત નહીં પણ હત્યા થયાનું બહાર આવ્યું હતું.
સુરતના છાપરાભાઠા નામના વિસ્તારમાં રહેતો ઘનશ્યામ નામની વ્યક્તિ પોતાની પત્નીને લઈને હૉસ્પિટલ આવ્યો હતો અને તેને બાથરૂમમાં પડી જવાથી માથામાં ઈજા થઈ હોવાનું ડોક્ટરોને કહ્યું હતું. ડોક્ટરોએ જ્યારે મહિલાને જોઈ ત્યારે તેના હાથમાં ઈજાના નિશાન હતા, જે બાથરૂમમાં પડી જવાથી થાય તેવું શક્ય ન હતું. આ મામલે ડૉક્ટરોને શક જતા તેમણે પોલીસને બોલાવી હતી. પોલીસની પૂછપરછ અને મૃતક મહિલાના સંબંધીઓએ આપેલા નિવેદનો બાદ પતિની ધરપકડ કરવામાં આવી હતી.
અમરોલી પોલીસે જણાવ્યું હતું કે ઘનશ્યામે ઘરમાં માયાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. તેને માથામાં પણ ઈજા થઈ હતી. ત્યાં તેણે જણાવ્યું કે તેની પત્ની બાથરૂમમાં પડી હતી. જેના કારણે તેને માથામાં ઈજા થઈ છે. જ્યારે હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું કે મૃતક મહિલા માયાના ગળા પર કેટલાક ઊંડા નિશાન હતા, જે સામાન્ય પડી જવાથી નહોતા થયા. તેથી, ડૉક્ટરની ટીમે મૃત મહિલાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લીધો, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
મૃતક મહિલાના પિતા મોતીલાલ પોસ્ટ મોર્ટમ હાઉસ પહોંચ્યા હતા. તેણે પોલીસને જણાવ્યું હતું કે કે માયાના લગ્ન દસ વર્ષ પહેલા ઘનશ્યામ સાથે થયા હતા. તેમના લગ્ન જીવનમાં છ વર્ષનો પુત્ર છે. ઘનશ્યામને અન્ય યુવતીઓ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. તેના સાસરીયાઓ સાથેના વિવાદ બાદ પત્ની માયા પુત્ર સાથે ત્રણ વર્ષથી તેના મામાના ઘરે રહેતી હતી. થોડા દિવસો પહેલા જ જમાઈ તેને સુરત પોતાને ઘરે તેડી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનશ્યામે પણ પોતાનો ગુનો કબૂલ્યો છે કે તેણે તેની પત્નીનું ગળું દબાવી દીધું હતું અને તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. તે પછી તે તેની કેક શૉપ પર ગયો. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે અકસ્માત અંગે ખોટી સ્ટોરી બનાવી હતી.
જોકે તબીબોની સતર્કતાને લીધે તે પોતાની જ સ્ટોરીનો વિલન સાબિત થયો. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.