આપણું ગુજરાત

સુરતના વ્યાજખોરોએ 45 લાખમાં લખાવેલી જમીન દોઢ કરોડમાં વેચી મારતાં ભાવનગરમાં પોલીસ ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત:
ડાયમંડ સિટી સુરતમાં વ્યાજખોરોના આતંકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં વ્યાજે લીધેલા પૈસાના બદલામાં વ્યાજખોરોએ સિક્યુરિટી પેટે લખાવી લીધેલી 5 વીઘા જમીન માલિકની જાણ બહાર રૂ. 1.50 કરોડથી વધુમાં વેચી મારી હોવાના આરોપ સાથે ભાવનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, સુરતના કતારગામમાં રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા રજનીભાઇ જાસોલીયાએ આઠેક વર્ષ પહેલા રઘુભાઇ રબારી અને તેના સાથીદારો ભુપતભાઇ, ગોકુળભાઇ તથા વાઘજીભાઇ કરમટીયા પાસેથી નાણાં ઉછીના લીધા હતા. આ રકમના બદલામાં આરોપીઓએ અધેવાડા ગામની 5 વીઘા જમીન સિક્યુરિટી તરીકે પોતાના નામે દસ્તાવેજ કરાવી લીધી હતી. બાદમાં 3 ટકા વ્યાજની ઉઘરાણી શરૂ કરી હતી. ફરિયાદીએ વ્યાજ પેટે રૂ. 10 લાખ રોકડા ચૂકવ્યા હોવા છતાં, આરોપીઓએ જમીન પરત આપવાના બદલે વર્ષ 2021માં ત્રીજી વ્યક્તિને બારોબાર વેચી મારી વિશ્વાસઘાત કર્યો હતો.

ત્યારબાદ, જ્યારે રજનીભાઇએ જમીન વેચાણના નાણાંનો હિસાબ માંગ્યો, ત્યારે ગોકુળભાઇ કરમટીયાએ પોતે અમદાવાદ સાયબર ક્રાઇમમાં પીએસઆઇ હોવાની ખોટી ઓળખ આપી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. એક બેઠકમાં આરોપીઓએ 4 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજનો ખોટો હિસાબ બતાવી વધુ અઢી લાખની માંગણી કરી હતી. “તું ક્યાં ખોવાઈ જઈશ એ ખબર નહીં પડે” તેવી ધમકી આપી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રૂ. 25,000 પડાવી લીધા હોવાનો ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે.

આ મામલે ફરિયાદીએ ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજ્યસેવકની ખોટી ઓળખ આપવા, વિશ્વાસઘાત, છેતરપિંડી અને વ્યાજખોરીની કલમો હેઠળ તપાસ હાથ ધરી હતી. ફરિયાદી પાસે આ સમગ્ર ઘટનાનું ઓડિયો રેકોર્ડિંગ હોય તેને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button