સુરતના આ ધારાસભ્યએ ફરી લખ્યો લેટર ને કરી ફરિયાદ

તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાંદેડમાં એક સાથે દરદીઓ માર્યા ગયાના અહેવાલો પ્રકાશિત થયા હતા. આના કારણ તરીકે દવાઓ અને ઈન્જેક્શનની અછત હોવાનું બહાર આવ્યું હતું. આવી જ સ્થિતિ સુરતની હૉસ્પિટલની હોવાનું ભાજપના જ વિધાનસભ્ય અને અગાઉ આરોગ્ય પ્રધાને પત્ર દ્વારા જણાવી છે.
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર જાહેર થતાં શહેરમાં ચર્ચાઓ શરૂ થઇ છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના અભાવ મુદ્દે ધારાસભ્યે પત્ર લખ્યો છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે હિમોફિલિયા ઇન્જેક્શનનો અભાવ છે. હોસ્પિટલમાં ઇન્જેક્શન ન મળતા દર્દીઓ પરેશાન થઇ રહ્યાં છે. દર્દીઓને ફેક્ટર 7 અને 8ના ઈન્જેક્શનની જરૂરિયાત છે.
ત્યારે હિમોફિલિયાના અંદાજે 550 જેટલા દર્દીઓ છે. તેમજ GMSCL દ્વારા ઇન્જેક્શન પુરૂ પાડવામાં આવે છે. ત્યારે કુમાર કાનાણીએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે.
અગાઉ પણ કાનાણીએ અવ્યવસ્થાને લગતા પત્રો લખ્યા છે.