સુરતમાં મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા 70 લાખની મર્સિડિઝ કારનો કચ્ચરઘાણ
સુરત: સુરત શહેરમાં બેફામ ડ્રાઈવિંગના કારણે અકસ્માતો વધી રહ્યા છે, ગત 13 મે સોમવારના રોજ એક મહિલાએ મોંઘીદાટ મર્સિડિઝ લઈને ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. મહિલાએ તેની નવીનક્કોર મર્સિડિઝ કાર રોંગ સાઈડ હંકારીને 70 લાખની ગાડીનું કચ્ચરઘાણ કાઢી નાખ્યું હતું.
મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર BRTSની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જેને પગલે કારણે એરબેટ ખુલી જતા મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, સુરતના ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડિઝ કારનો અકસ્માત સર્જાયો હતો. કારચાલક મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અકસ્માતના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
સુરતમાં ગત રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવીનક્કોર 70 લાખની મર્સિડિઝ કાર લઈને પસાર થઈ રહી છે.
આ દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. વાવાઝોડા ફુંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે વિઝિબિલિટી ઓછી થતાં મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હોવાનું મહિલાએ જણાવ્યું હતું.