આપણું ગુજરાત

સુરત સામૂહિક આત્મહત્યાઃ થોડા સમય પહેલા કાર-મોપેડ લેનારા મનીષને ખરેખર આર્થિક તંગી હતી?

કઠણ હૃદયના કાળજાને પણ કંપાવી દે તેવી એક જ પરિવારના સાત સાત સભ્યની સામૂહીક આત્મહત્યાના આઘાતમાંથી હજુ સુરત બહાર આવ્યું નથી. ખાસ કરીને સોલંકી પરિવાર જે વિસ્તારમાં રહેતો હતો અને જે લોકો સાથે ઘરોબો ધરાવતો હતો તે આ વાત માનવા તૈયાર નથી કે મનીષે પોતાના વ્હાલસોયા સંતાનો સહિત છ સભ્યોને માર્યા અને પછી પોતે પણ જીવ દઈ દીધો. રોજ સાંજે તેના ત્રણેય સંતાનો અન્ય બાળકો સાથે રમતા અને તે પરિવાર પણ બધા સાથે ખૂબ પ્રેમથી રહેતો આથી તેમના વિસ્તારમાં એક અજબ ગમગીની જોવા મળતી હોવાનું સ્થાનિક અહેવાલો જણાવે છે. મનીષે લખેલી સ્યૂસાઈડ નૉટમાં પોતે એક કરોડ જેટલી રકમ ઉધાર આપી હતી, પરંતુ પરત ન આવતા આર્થિક સંકડામળ અનુભવતો હોવાનું જણાવ્યું છે. તો બીજી બાજુ એક અહેવાલ અનુસાર મનીષનો ફર્નિચરનો સારો ધંધો હતો અને તેના હાથ નીચે 35 જેટલા લોકો કામ કરતા હતા. આ સાથે તેણે થોડા સમય પહેલા એક કાર અને ઈ-મોપેડ ખરીદ્યા હતા. તો તેના એક મિત્રના જણાવ્યા અનુસાર તે પૈસાનું રોકાણ કરવાના વિકલ્પો પણ શોધી રહ્યો હતો.

આ સ્થિતિમાં તે એવા તો કેવા નાણાકીય સંકટમાં આવી ગયો કે તેણે માતા-પિતા, પત્ની અને ત્રણ સંતાનોને મારવાનો અને પછી પોતે પણ જીવ દેવાનો નિર્ણય લીધો તેવો સવાલ થઈ રહ્યો છે. તો બીજી બાજુ એવી માહિતી પણ મળી છે કે મનીષભાઈ ખૂબ ધાર્મિક વૃત્તિના હતા. તેમને બે દીકરી હતી ત્યારે સંતાનમાં એક દિકરો હોવાની તેમની ઈચ્છા હતી અને તે માટે તેમણે માનતા પણ માની હતી. જોકે માનતા માનીને મેળવેલા પાંચ વર્ષના દિકરાને પણ બાપે ઝેરી ખોરાક ખવડાવી મોતને ઘાટ ઉતાર્યો તે કોઈને ગળે ઉતરતું નથી.


મનીષ સોલંકીના પરિવારના મોતની ઘટનાનું સાચું કારણ જાણવા માટે પોલીસે મૃતકના ત્રણ બનેવી અને નવ જેટલા કારીગરોની પૂછપરછ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત, મનીષ અને તેની પત્નીના મોબાઈલ ફોન પણ પોલીસે કબજે લીધા છે. મનીષના ઘરમાંથી મળેલી ચિઠ્ઠીમાં કોઈનું નામ ના લખેલું હોવાથી હવે મનીષ અને તેની પત્ની શોભા સોલંકીના ફોનની તપાસમાંથી જ કોઈ નક્કર પુરાવા મળી શકે તેમ છે. મનીષની કોની-કોની સાથે વાત થઈ હતી, તેના ચેટ રેકોર્ડ્સ, ફોનમાં રહેલા પિક્ચર્સ અને વિડીયોના આધારે પણ આ કેસમાં પોલીસને કોઈ લીડ મળી શકે છે.


શનિવારે આ ઘટના બની તે પહેલા મનીષની માનસિક હાલત શું હતી, તેણે કોની-કોની સાથે આર્થિક લેવડ-દેવડ કરી હતી, કોની પાસેથી તેને ઉઘરાણી બાકી નીકળતી હતી તેમજ કારીગરો સાથે તેની શું વાત થઈ હતી જેવા અનેક મુદ્દા પર હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાસ તો મનીષનો એક તાંત્રિક સાથેનો કથિત વિડીયો બહાર આવ્યા બાદ વિડીયોમાં દેખાતો તાંત્રિક કોણ છે, મનીષની તેની સાથે કોણે ઓળખાણ કરાવી હતી અને વિધિના નામે મનીષ પાસેથી પૈસા પડાવાયા હતા કે કેમ તે સવાલોના જવાબ પણ મળવાના હજુ બાકી છે. હાલ સુરત સિટી પોલીસની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ આ કેસની તપાસ કરી રહી છે. જેમાં ડીસીપી ઉપરાંત બે એસીપી અને પીઆઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button