સુરત સામૂહિક આપઘાત કેસ: ચોકક્સ કારણ હજુ જડતું નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં એક જ પરિવારનાં ત્રણ બાળકો સહિત સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટનાને દિવસો વીતી જવા છતાં હજુ આપઘાતના ચોક્કસ કારણ સુધી પોલીસ પહોંચી શકી નથી. જોકે આસપાસ રહેતા લોકો તેમજ સગાં-સંબંધીઓ તેમજ આપઘાત પહેલા પરિવારના સભ્યોનાં સાથે સંપર્ક કરનારાં ૮૦ થી વધુ લોકોની પોલીસે પૂછપરછ કરીને સામૂહિક આપઘાતની ઘટનાનાં મૂળ સુધી પહોંચવાની કવાયત જારી રાખી છે.
સુરતમાં મનીષ સોલંકી સહિત તેનાં પરિવારના સાત સભ્યો તેમના સુરતના ફ્લેટમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ આ પરિવારને સામૂહિક આપઘાતનું પગલુ ભરવા પાછળ અંગત કે ધંધા ને લગતું કોઇ કારણ હતુ કે, પછી તેમને કોઇએ મરવા મજબૂર કર્યા હતા તે અંગેના ચોક્કસ જવાબો હજુ સુધી મળી શક્યાં નથી. સુરત પોલીસે આ કેસમાં હકીકતો સામે લાવવા એકપછી એક કડીઓ શોધવાનું ચાલુ રાખ્યું છે. સામૂહિક આત્મહત્યાના કેસમાં જે શંકાસ્પદ બાબતોની તપાસ અને ખરાઈ કરવામાં આવી રહી છે. મનીષ સોલંકીએ તેની પત્ની, ત્રણ બાળકો અને માતાપિતાને ઝેર આપીને આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હોવાની થિયરી સ્વીકારી તપાસ આગળ વધારાઈ છે. અત્યાર સુધીમાં ૮૦ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. સોલંકી પરિવારને ક્યું કારણ આટલું મોટું પગલું ભરવા જવાબદાર છે? તેનો જવાબ શોધવા મથામણ કરી રહી છે.
આ અઠવાડિયે સોલંકીની પાંચ બહેનો, તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફેમિલી ડૉક્ટર અને અન્ય કામ કરતા સાથી મિત્રોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. મનીષ નાણાકીય દેવાના બોજ તળે દબાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. કર, ઘર અને વ્યવસાયના વિકાસ માટે લીધેલી લોનના તે મોટી રકમમાં હપ્તા પણ ભરતો હતો.
પોલીસનું માનવુ છે કે, મનીષ કામ પર માનસિક તણાવમાં હતો અને અનિંદ્રાની સમસ્યાના હલ માટે નિયમિતપણે ઊંઘની ગોળીઓ લેતો હતો. ગ્રાહકોને સમયસર ફ્લેટ્સ આપવા માટે તેમના પર વધુ દબાણ પણ હતું.
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મનિષ સોલંકીએ તેના પરિવારને ઝેર આપીને મારી નાખવાનું અને બાદમાં આત્મહત્યા કરીને મૃત્યુનું આટલું આત્યંતિક પગલું ભર્યું તેના પાછળના ચોક્કસ કારણ વિશે અમે હજુ સ્પષ્ટ નથી. અમને જાણવા મળ્યું છે કે તે કામ પર માનસિક તણાવમાં હતો. તેણે વિચાર્યું હશે કે તેના પછી તેના પરિવારની સંભાળ રાખવા માટે કોઈ નહીં હોય તેથી તેણે તેમને મારી નાખ્યા હોવાનો વિચાર કર્યો હોવાનું અનુમાન છે.