સુરત મનપાએ ૧૦ દિવસમાં ૧૭ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત મનપા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દૂષણ નાથવા માટે મોટા પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઉધના ઝોન વિસ્તારમાં એક કારખાનામાં તપાસ હાથ ધરી ૯૦૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. એટલું જ નહીં ૫૦ હજાર રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી હતી. મનપાએ છેલ્લા ૧૦ દિવસમાં જ શહેરભરમાંથી ૧૭ ટન કરતાં વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવાની સાથે ૨૦ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુરત મનપાના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને તેનું ઉત્પાદન કરનારા વિરુદ્ધ અભિયાન હાથ ધર્યુ છે. ઉધના ઝોન વિસ્તારમાં આવેલા હનુમાન એસ્ટેટમાં આરોગ્ય વિભાગની ટીમે મોટા પાયે તપાસ હાથ ધરી હતી. એક જ સ્થળેથી ૩૪૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સિવાય ભેસ્તાન ખાતે આવેલી સિલ્ક સિટી ઈન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઔદ્યોકિત વસાહતમાંથી ઈકો પોલિમર્સ નામની સંસ્થામાંથી ૯૦૦ કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થાનો સંગ્રહ કરનાર ઈકો પોલિમર્સના સંચાલકોને મનપા દ્વારા ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવાની સાથે તેમની પાસેથી પુન: સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે લેખિત બાંહેધરી પણ લખાવી લેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત પખવાડિયામાં જ સેન્ટ્રલ ઝોન દ્વારા પણ જામનગર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી પણ ૩૦૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.