Gujarat :માત્ર એક-બે ટમેટાં માટે પડોશીએ લઈ લીધો પડોશીનો જીવ
સુરતઃ મોટા ભાગના વિચારકો અને ધર્મગુરુઓ ક્રોધ પર કાબૂ રાખવા કહે છે. ક્ષણવારનો ક્રોધ માણસનો વિનાશ નોતરે છે અને અન્યોને પણ નુકસાન કરે છે. આવી જ ઘટના સુરતમાં બની છે. અહીં માત્ર એક કે બે ટમેટાંના નંગ માટે બે પાડોશીઓ વચ્ચે દલીલ થઈ અને તેમાં એકે બીજાની હત્યા કરી નાખી.
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો. આ ઘટનાની વિગતો અનુસાર અહીંની દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિદ્યાધરા શ્યામલ અને કાલુચરણ સંતોષ ગુરુ વચ્ચે ઝગડો થયો હતો. વિદ્યાધરાના ઘરે મહેમાન આવ્યા હોવાથી તે કાલુચરણના ઘરે રાત્રે ટમેટાં માગવા ગયો હતો. કાલુચરણે દરવાજો ખોલ્યો ન હતો.
તેણે બીજા દિવસે વિદ્યાધરાને આ મામલે ધમકાવ્યો હતો કે તું મારા ઘરે રાત્રે ટમેટાં લેવા શા માટે આવ્યો હતો. વિદ્યાધરા અને કાલુચરણ વચ્ચે આ મામલે બોલાચાલી થઈ અને અચાનક કાલુચરણે વિદ્યાધરાના પેટમાં ચાકુ મારી દીધું હતું. વિદ્યાધરા ઘટનાસ્થળે જ પડી ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. પોલીસે કાલુચરણની ધરપકડ કરી છે.
બન્ને મૂળ ઓડિશાના રહેવાસી હતા અને સુરત આવી પાવરલૂમમાં કામ કરતા હતા. સાવ નાનકડી બાબતમાં કાલુચરણને આવેલા ગુસ્સાએ વિદ્યાધરાને તો મોતના મુખમાં ધકેલી દીધો, પરંતુ કાલુચરણને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.