કઈ રીતે કરશો હોળીની ઉજવણી? સુરત મહાનગરપાલિકાએ ગાઈડલાઇન જાહેર કરી
સુરત: હોળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં સુરત મહાનગરપાલિકાએ હોળી પ્રગટાવવાને લઈને ખાસ ગાઈડલાઇન બહાર પાડી છે. આ ગાઈડલાઇન ખાસ જાહેર રોડને થતાં નુકસાનને અટકાવવા માટે બહાર પાડવામાં આવ્યું છે. હોળીની ગરમીને કારણે થતાં નુકસાનને અટકાવવા માટે લોકોને ખાસ પ્રકારે જાહેર રસ્તાની કાળજી રાખીને હોળી પ્રગટાવવા અપીલ કરી છે.
પાલિકા દ્વારા લોકોને સોસાયટીના રસ્તા પર માટી તથા છાણ મિશ્રિત લીંપણ કર્યા બાદ એક ઈંટનું થર પાથરી હોળી પ્રગટાવવા માટે સુચના જાહેર કરવામાં આવી છે.જો કે દર વર્ષે પાલિકા આ રીતે હોળી અગાઉ માર્ગદર્શિકા બહાર પાડતી હોય છે. અને મોટા ભાગના લોકો તેની અમલવારી પણ કરતાં હોય છે.
પાલિકાનું કહેવું છે કે લોકો સીધા રસ્તાઓ પર લાકડા, ઘાસ અને છાણાંથી હોળી પ્રગટાવે છે જેથી કરીને રસ્તા પરનો ડામર ઓગળી જાય છે અને રસ્તાના જંકશન તૂટી જાય છે. જેના કારણે તંત્ર પર વધારાના ખર્ચનો બોજો આવે છે અને ખરાબ થયેલા રસ્તાઓને કારણે આમ જનતાને મુશ્કેલીઓ ભોગવવી પડે છે.
આ સાથે સાથે હોળી પ્રગટાવવા માટે તેવા સ્થળની પસંદગી કરવા અપીલ કરી છે જ્યાં ટ્રાફિક અવરજવર ઓછી હોય. તેમજ હોળીની જ્વાળાથી લોકો દાઝે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવામા માટે અપીલ કરી છે. તેમજ હોળી સંપન્ન થયા બાદ હોળીની રાખ, વધેલા લાકડા તેમજ નારિયેળ જેવી બધી જ સામગ્રી વિધિવત રીતે સલામત જગ્યાએ ખસેડી દેવા જોઈએ.