સુરતમાં ફરી ગ્રીષ્માકાંડઃ પ્રેમીએ પ્રેમિકાને જાહેરમાં રહેંસી નાખી

સુરતમાં ફરી એક ઘટના બની છે જેમાં પ્રેમીએ પ્રેમિકાની સરાજાહેર હત્યા કરી છે. અહીં જ છોડા સમય પહેલા ગ્રીષ્મા નામની યુવતીનું પ્રેમીએ પરિવારની હાજરીમાં ચપ્પુ ચલાવી ગળું ચીરી નાખ્યું હતું. આ ઘટનાની યાદ અપાવતી ઘટના ફરી બની છે.
સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી નીલુ નામની યુવતીના પોતાના જ સમુદાયના શૈલેષ નામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. જોકે નીલુના સગપણની વાત બીજે ચાલતી હોવાથી ઉશ્કેરાયેલા શૈલેષે તેને તેના ઘરની બહાર જ ચાકુના ઘા મારી મારી નાખી છે. હાલમાં શૌલેષ ફરાર છે.
ઘટનાની માહિતી અનુસાર બન્ને એકબીજા સાથે સંબંધમાં હતા અને એક જ સમુદાય તેમ જ એક જ ગામના હતા. બન્નેની ઉંમર 20 વર્ષ આસપાસ હતી. નીલુ કયા કારણોસર અન્ય યુવક સાથે સગપણ કરવા માગતી હતી તે જાણવા મળ્યું નથી. નીલુ અન્ય સાથે લગ્ન કરવા તૈયાર થઈ હોવાનું જાણી શૈલેષે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. નીલુના પરિવારના જણાવ્યા અનુસાર અગાઉ શૈલેષે તેને જીવથી મારવાની ધમકી આપી હતી. નીલુ ઘરની બહાર નીકળી ત્યારે શૈલેષે તેના પર છરીના ઘા ઝીંકી તેની જાહેરમાં હત્યા કરી નાખી હતી. હાલમા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.