સુરત: છરી સાથે સોશિયલ મીડિયા પર રીલ બનાવવા મોંઘી પડી, પોલીસે યુવાનની કરી ધરપકડ

આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઝડપથી ફેમસ બનવા માટે લોકો કઈ હદે જાય છે તેનું એક દ્રષ્ટાંત સુરતમાં જોવા મળ્યું છે. સુરતમાં એક યુવાને પોતાની જાતને છરી વડે મારતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વીડિયો સામે આવતા જ પોલીસ એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેણે આ રીલ સોશિયલ મીડિયા પર ખ્યાતનામ થવા માટે બનાવી હતી.
આ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવકે કમરમાંથી છરી કાઢીને અતિ ઉત્સાહમાં આવીને ડાયલોગ બોલ્યો હતો,’आना मत जोश में हां मेरी जान’. પછી તે છરીને ચુંબન કરે છે અને તેને કવરમાં મૂકે છે. આરોપીએ 9 સેકન્ડનો આ વીડિયો તેના સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કાન પકડીને માફી માંગતો જોવા મળે છે. તેણે એમ પણ કહ્યું કે હવેથી તે એવી કોઈ ભૂલ નહીં કરે જેનાથી કોઈને નુકસાન થાય અને હું જે પણ વીડિયો બનાવીશ તે સમાજના કલ્યાણ માટે હશે.
આ પણ વાંચો : સ્પીડમાં દોડી રહેલી એકસપ્રેસ ટ્રેનના દરવાજા પર રીલ બનાવી રહ્યો હતો યુવક અને પછી થયું કંઈક એવું કે…
આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ઉધના પોલીસે સાગર ઉર્ફે માણિક સિરસાઠ નામના શખ્સની ધરપકડ કરી છે. જેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં તે કમરમાંથી છરી કાઢીને ગુંડા ડાયલોગ બોલી રહ્યો હતો.
વીડિયો સામે આવતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેમસ અને લાઈક્સ મેળવવા માટે બનાવ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે પણ તેની સામે જીપ એક્ટ 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને આ વખતે પણ ફરૂ એક વખત તેની સામે છરી રાખવા બદલ જીપ એક્ટ 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હજુ સુધી આરોપીઓ સામે અન્ય કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો નથી, તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.