આપણું ગુજરાતસુરત

ગુજરાત માટે ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન…

સુરત: ગુજરાત રાજ્ય અને પોલીસ માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને (Ichchapore Police Station) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન (Best Police Station) તરીકે માન્યતા આપવામાં આવી છે. ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) હસ્તે આ એવોર્ડ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પ્રદાન કરવામાં આવ્યો.

આ પણ વાંચો : Ahmedabad કોર્પોરેશનનો મોટો નિર્ણય, હવે આ સ્થળો પર જન્મના દાખલામાં સુધારા થઈ શકશે

ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોર્ડનાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ ઠર્યું છે,ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પણ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.સી. ગોહિલે જણાવ્યું કે, “આ એવોર્ડ માત્ર મારો કે મારી ટીમનો નથી, પરંતુ સમગ્ર ગુજરાત પોલીસના નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કાર્યનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ અને પોલીસ વચ્ચેનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે.

એવોર્ડ ગુજરાત પોલીસ માટે ઉત્સાહક

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની ‘ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી’ પહેલે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો જે અભિગમ અપનાવ્યો છે, તે સફળતાનું મુખ્ય સ્તંભ છે. આ પહેલને અમલમાં મૂકતા, નાગરિકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટ્યું છે અને લોકસહકારથી અમે વધુ પ્રભાવશાળી રીતે કામ કરી શક્યા છીએ. આ એવોર્ડ માત્ર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ ગૌરવ છે, એવું નહિ પરંતુ ગુજરાત પોલીસ તંત્ર માટે એક ઉત્સાહક પ્રેરણારૂપ છે.

2019 બાદ પ્રથમ વખત ગુજરાતના પોલીસ મથકને રાષ્ટ્રીય સન્માન

વર્ષ 2019 બાદ પહેલીવાર ગુજરાતના કોઈ પોલીસ મથકને શ્રેષ્ઠ પોલીસ મથક તરીકેનું રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. પીઆઇએ વધુ જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સાથે, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન નાગરિક સુરક્ષા મજબૂત બનાવવા અને પ્રજાજનો સાથેના સંબંધોને વધુ સુદ્રઢ કરવા માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલીકરણમાં વધારો, આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને જનજાગૃતિ કાર્યક્રમોની યોજનાઓ સ્ટેશનના ભવિષ્યના મુખ્ય લક્ષ્યોમાં સામેલ છે.

આ પણ વાંચો : Gujarat માં હજુ પણ કોલ્ડ વેવની આગાહી, નલિયા ઠંડુગાર થયું

એવોર્ડનું સેલિબ્રેશન વૃદ્ધાશ્રમમાં

અંતે, તેમણે ઉમેર્યું હતું કે, એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી સુરતમાં આવીને, પ્રથમ એવોર્ડનું સેલિબ્રેશન વૃદ્ધાશ્રમમાં દિકરા અને દિકરી વિહોણા વૃદ્ધો સાથે કર્યું હતું,જેમણે હર્ષ સાથે આર્શિવાદ આપ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button