‘કોઈ પાન-માવાની પિચકારી મારે તો ધોકા લઇને બહાર નીકળો’, હર્ષ સંઘવીએ મહિલાઓને આપી સલાહ
સુરતઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તેમના મત વિસ્તારમાં મહિલાઓ સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લઇ સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું પુરુષોમાં માવા એટેલે કે મસાલા ખાવાનું વ્યસન વધારે છે. જો કોઇ પુરુષો માવા ખાઇને જાહેરમાં પિચકારી મારે અને સોસાયટી ગંદી કરે તો હાથમાં ધોકા લઇ લો. જેથી પિચકારી મારતા બંધ થઈ જશે.
તેમણે મહિલાઓને એકશનમાં આવવાની સલાહ આપતાં કહ્યું, બહેનો હાથમાં લાકડી લઇને બેસે તો કોણ પિચકારી મારશે? बબધી બહેનો ભેગી થઈને હાથમાં દંડો લઇને નીચે બસે તો કોઈ ભાઈઓ મોઢામાં મસાલો નહીં નાંખે. તેઓ બિલ્ડિંગની બહાર જ ચૂપચાપ થૂંકીને આવશે. પિચકારી બંધ થશે તો પુરુષો વહેલા ઘર આવતા થશે. બહેનોએ આ કામ હાથમાં લેવું પડશે. માવાની પિચકારીની ગંદકીના કારણે બીમારી પણ ફેલાય છે.
આ પણ વાંચો : લેટરકાંડઃ હર્ષ સંઘવી કેમ તાબડતોડ આવ્યાં અમરેલી? પરેશ ધાનાણીનો સળગતો સવાલ
મોબાઇલની લતને લઇ શું કહ્યું
બાળકોમાં મોબાઇલની વધતી લત અંગે હર્ષ સંઘવીએ કહ્યું, મોબાઇલની લતની સમસ્યા દરેક ઘરમાં હશે. નાનું બાળક પણ મોબાઇલ લઇને બેસવાની આદત ધરાવે છે. તમે પૌત્ર-પૌત્રીને કહેતા હશો કે આખો દિવસ મોબાઇલમાં શું છે, તમારે પણ બદલાવાની જરૂર છે. બાળકોને બિલ્ડિંગમાં નીચે રમતના મેદાનમાં લઇ જશો તો તેમનામાં પણ બદલાવ આવશે. રમતના મેદાનમાં લઇ જવાથી મોબાઇલની લત પણ છૂટશે.