આખરે સુરતને મળ્યા ચીફ ફાયર ઑફિસર, શહેર આગજનીથી બચે તેવી આશા
સુરતઃ આગ લાગ્યાની ઘટનાની વાત આવે એટલે સુરતનો તક્ષશીલા કાંડ યાદ આવ્યા વિના રહે નહીં. કૉચિંગ ક્લાસમાં ગયેલા 22 જેટલા વિદ્યાર્થીઓનો જીવ લેનાર અને અન્યોને ચોથા માળેથી કૂદીને જીવ બચાવવા મજબૂર કરનારા આ કાંડ બાદ પણ સુરત શહેરમાં ચીફ ફાયર ઑફિસર ન હતા ત્યારે હવે શહેરને નવા ચીફ ફાયર ઑફિસર મળ્યા છે.
શહેર મનપા ફાયર વિભાગ દ્વારા આઠ વર્ષે ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખની નિમણૂક કરવામાં આવી છે, અત્યાર સુધી તેઓ ઈન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, આખરે તેમની નિમણૂક કરાતા અન્ય કર્મચારી સ્ટાફમાં ખુશીની લાગણી છવાઈ હતી. સુરત પાલિકામાં અતિ મહત્વની કહેવાતી ચીફ ફાયર ઓફિસરની જગ્યા છેલ્લા આઠ વર્ષથી ખાલી હતી અને ઈન્ચાર્જ અધિકારીના ભરોસે હતી.
સુરતમાં વર્ષ 2014 પછી મનપા દ્વારા કોઈ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી ન હતી, ચીફ ફાયર ઓફિસર તરીકે પાંચ ઉમેદવારોએ અરજી કરી હતી. પરંતુ તેમાંથી ચાર ઉમેદવારો હોદ્દાને લઈ લાયક ના રહેતા તેમની અરજી અમાન્ય થઈ હતી, બીજી તરફ ઈન્ટરવ્યુ બાદ મનપાએ બસંત પરીખની નિમણૂક કરી હતી.
સુરત શહેરમાં અનેકવાર મોટી આગની દુર્ઘટના સામે આવી ચૂકી છે. આ પરિસ્થિતિમાં છેલ્લા આઠ વર્ષથી અત્યાર સુધી ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના હવાલે ફાયર વિભાગ ચાલી રહ્યું હતુ, ત્યારે એક ચીફ ફાયર ઓફિસરની કાયમી માટે ભરતી કરવી જરૂરી હતી. વર્ષ 2014માં પૂર્વ ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલની વિવિધ વિવાદોના કારણે હકાલપટ્ટી કરાવી હતી. ત્યારથી જ આ પદ માટે કોઈ અધિકારીની કાયમી નિમણૂક કરાઈ નહોતી.
શહેરોમા આગજનીના ઘણા બનાવો બનતા રહે છે ત્યારે આવા બનાવો ન બને અને પહેલેથી જ સુરક્ષા માટેના નિયમોનું કડક પાલન થાય તેવી અપેક્ષા નવા અધિકારી પાસેથી શહેરીજનો રાખી રહ્યા છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી મુદ્દે લાલ આંખ કરી કડક નિયમો બનાવ્યા છે, પરંતુ તેને સ્થાનિક સ્તરે અમલમાં મૂકવાની જવાબદારી ફાયર વિભાગ અને પાલિકાની હોય છે. દરેક પાલિકા અને સંબંધિત વિભાગો આ જવાબદારી નિભાવે તો ઘણા અકસ્માતો ટાળી શકાય તેમ છે અને નિર્દોષોના જીવ બચાવી શકાય તેમ છે.