સુરતમાં એક ફેક કોલથી પોલીસ દોડતી થઈ, ચુવકને બોંબ વિસ્ફોટની ધમકી ભારે પડી

સુરત: રાજ્યમાં અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ સુરતમાં હિન્દુ નેતાઓ સામે કાવતરું ઘડવાના આરોપમાં એક મૌલવીની ધરપકડ થઈ હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે સાંજે 7.30 વાગ્યે સુરત શહેર પોલીસના કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. જેમાં તેણે ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું કે મોડી રાત્રે 11:55 કલાકે શહેરમાં ત્રણ બ્લાસ્ટ થશે. જેના કારણે સુરત શહેર પોલીસ આખી રાત સુધી દોડતી રહી હતી. રાત્રીના 12 વાગે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો ત્યારે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આરોપી શોઘખોળમાં 12 કલાક જેટલો સમય લાગ્યો હતો.
મળતી વિગત મુજબ સુરત શહેરમાં ત્રણ બોંબ વિસ્ફોટ થશે આ કોલ બાદ કંટ્રોલ રૂમમાં ખળભળાટ મચી ગયો હતો. ફોન કરનારે લોકેશન જાહેર કર્યા વગર કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.
પોલીસ તંત્રએ તમામ ભીડવાળા વિસ્તારોમાં પોલીસને એલર્ટ કરવાનો અને ફોન કરનારને પણ ટ્રેસ કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે પોલીસે શહેર એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચને સક્રિય કરી ત્યાર બાદ બાતમીદારો સાથે ટેકનિકલ ઈન્ટેલિજન્સની મદદ લીધી હતી.
સુરતની ઉધના પોલીસે લગભગ 12 કલાકની મહેનત બાદ આરોપીને પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના અશોક સિંહ તરીકે થઈ છે. પ્રારંભિક પૂછપરછ દરમિયાન, યુવકે જણાવ્યું કે તેણે પોલીસને હેરાન કરવા માટે આવું કર્યું હતું અને બોમ્બ પ્લાન્ટ વિશે કંટ્રોલ રૂમને જાણી જોઈને જાણ કરી હતી.

આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ તમામ એંગલથી ખોટા બોમ્બ કોલની તપાસ કરી રહી છે. પોલીસ ધરપકડ કરાયેલ વ્યક્તિના જૂના ઈતિહાસની તપાસ કરી રહી છે કે આ વ્યક્તિનો અસલી ઈરાદો શું હતો? જેણે સમગ્ર શહેર પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી.
ડીસીપી, સુરત શહેર પોલીસ ઝોન 2 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ગુનેગાર અશોક સિંહે માત્ર સ્ટંટ કરવા માટે કોલ કર્યાનું કબૂલ્યું છે, પરંતુ તે ભૂતકાળમાં શું કરતો હતો તે અંગે પોલીસ માહિતી એકઠી કરી રહી છે. તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. તે કોઈપણ સંસ્થા વગેરે સાથે જોડાયેલ નથી.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે અમારી પાસે માત્ર ફોન કરનારનું લોકેશન હતું. આ સિવાય કોઈ માહિતી મળી નથી. અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા છે. આવી સ્થિતિમાં મારી અપીલ છે કે આવું ન કરો. ગઢવીએ જણાવ્યું હતું કે આ કેસમાં આરોપી સામે જેટલી પણ કલમો લગાવી શકાય, તે હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.