સુરતમાં ફેક્ટરી કામદારનું વીજ કરંટથી મોત, અન્ય કર્મચારીઓએ વળતરની માગ સાથે કર્યા ધરણા
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં કાપડની ફેક્ટરીમાં એક મજુરનું વીજ કરંટથી મોત નિપજ્યું હતું. સંજય સ્વાઈન નામના આ મજુરનું મોત થયા બાદ ફેક્ટરીમાં કામ કરી રહેલા અન્ય કામદારોએ હોબાળો મચાવ્યો હતો. આ લોકો મૃતકના પરિવારજનોને વળતર ચુકવવાની માગ કરી હતી, અને જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાનો ઈન્કાર કર્યો હતો.
કામદારોએ હોબાળો મચાવતા પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ફેક્ટરીનો દરવાજો ખોલ્યો અને ટોળા વચ્ચે શબવાહિનીને રવાના કરી હતી. પોલીસે પહેલા લોકોને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતું કામદારો કોઈ વાતે માનવા તૈયાર નહોંતા અંતે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. કામદારો મૃતકના પરિવારજનોને રૂ. 15 લાખ ચુકવવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : સુરત: છરી સાથે સોશિયલ મીડિયા પર રીલ બનાવવા મોંઘી પડી, પોલીસે યુવાનની કરી ધરપકડ
સુરત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે ફેક્ટરી માલિક તેના પરિવારને વળતર ચુકવવા માટે તૈયાર છે પણ મૃતકના કોઈ પરિવારજનો સુરતમાં નથી, પરિવારજનો હાલ ઓડિસા ગયા છે તે પાછા આવશે ત્યારે તેમને વળતર આપશે. હાલ અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ પીડિત પરિવારને આ અંગે જાણ કરી દેવામાં આવી છે.