સુરત-દુબઈ ફ્લાઈટ શરૂ: પ્રથમ દિવસે પ્લેનનું સ્વાગત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ- સુરત – દુબઈની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ છે. સુરતથી દુબઇની ૧૮૯ બેઠકો પૈકી ૧૮૩ બેઠકો પેક થઈ ગઈ હતી. જ્યારે આ ફ્લાઇટ દુબઈથી સુરત આવી ત્યારે ૧૦૭ પેસેન્જર હતાં. સુરત ઇન્ટરનેશલ એરપોર્ટ પર ફ્લાઇટનું વોટર કેનન સેલ્યુટ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પેસેન્જરના હાથે રિબિન કપાવવાની સાથે સાથે કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી યુનાઈટેડ આરબ ઈમિરેટ્સની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ હતી. કોઈપણ પ્રકારના પ્રચાર પ્રસાર કે એજન્ટો સાથે મિટિંગ વિના સીધી શરૂ થયેલી દુબઈ – સુરત – દુબઈ ફ્લાઈટને ફસ્ટ ડે ફર્સ્ટ ફ્લાઇટમાં સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ શારજાહ સુરત અને દુબઈ – સુરતની બે ફ્લાઇટ ઓપરેટ કરી રહ્યું છે. આજે દુબઈ – સુરત – દુબઈની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ છે. ઇન્ડિગો એરલાઇન્સ દુબઈ-સુરત-દુબઇની ફ્લાઇટ દુબઇ એરપોર્ટથી બુધવાર, શુક્રવાર અને રવિવારે નીકળશે. જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોમવાર, ગુરુવાર અને શનિવારે રવાના થશે.
દુબઈ એરપોર્ટથી આ ફ્લાઇટ ૧૭:૧૫ કલાકે ટેકઓફ થઈને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૧:૩૦ ક્લાકે લેન્ડ થશે. અહીં સુરતથી શનિવારે રાતે ૦૦:૩૫ કલાકે ટેકઓફ કરીને ૨:૨૫ કલાકે દુબઈ એરપોર્ટ પહોંચશે.
સોમવારે રાતે૧:૧૦ કલાકે ટેકઓફ કરીને ૦૩:૦૦ કલાકે દુબઈ એરપોર્ટ પહોંચશે. જ્યારે ગુરૂવારે ૦૦:૧૦ કલાકે ટેકઓફ કરીને ૩:૧૫ કલાકે દુબઇ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે.