અમેરિકાના ‘ટેરિફ’નો ફટકો: હીરા ઉદ્યોગના 1 લાખ રત્ન કલાકારોની નોકરીઓ પર જોખમ…
મોટા ભાગની નોકરીઓ ભાવનગર, અમરેલી અને જૂનાગઢના નાના યુનિટ્સમાં ગઈ

અમદાવાદઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરતાં, સુરતની હીરા કંપનીઓએ ક્રિસમસ માટે મળેલા ઓર્ડર અટકાવી દીધા છે. આ ઉપરાંત, સૌથી વધુ અસર રત્ન કલાકારો પર થઈ હતી. સૌરાષ્ટ્રમાં લગભગ એક લાખ હીરા કટીંગ અને પોલિશિંગ કામદારોએ તેમની નોકરી ગુમાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ એપ્રિલમાં 10 ટકાનો બેઝલાઈન ટેરિફ લાગુ કર્યા બાદ આ પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 10 દિવસમાં છટણીની ગતિ વધી છે. મોટા ભાગની નોકરીઓ ભાવનગર, અમરેલી અને જૂનાગઢના નાના યુનિટ્સમાં ગઈ હતી.
એપ્રિલથી જ થવા લાગી હતી છટણી
અમેરિકાએ ટેરિફ વધાર્યા બાદ યુએસના ખરીદદારો તરફથી આવતા ઘણા નિકાસ ઓર્ડર કાં તો મોકૂફ રાખવામાં આવ્યા છે અથવા રદ કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં ફેલાયેલા આ યુનિટ્સમાં 3-4 લાખ લોકો કામ કરે છે. યુએસ અને ચીન તરફથી હીરાની ખરીદી ધીમી હોવાથી અહીં ધંધો નબળો પડી રહ્યો હતો.
પરંતુ એપ્રિલમાં યુએસ ટેરિફની જાહેરાતથી સૌથી મોટો ફટકો પડ્યો હતો. જેના કારણે હીરાના વેપારમાં અનિશ્ચિતતા આવી હતી. ત્યારથી, કટીંગ અને પોલિશિંગનું કામ ધીમું પડી ગયું હતું અને કામદારોને તબક્કાવાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
મહિને ₹ 20,000 કમાતા હતા
સૂત્રોના કહેવા પ્રમાણે અસરગ્રસ્ત કામદારો દર મહિને લગભગ ₹ 15,000થી ₹ 20,000 કમાતા હતા. મોટી કંપનીઓ બદનામીના ડરથી છટણીના પ્રમાણ પર મૌન સેવી રહી છે, પરંતુ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સભ્યોનું કહેવું છે કે કેટલાક વિસ્થાપિત કામદારોને લેબ-ગ્રોન ડાયમંડ સેક્ટરમાં નોકરી મળી રહી છે.
જોકે, એવી ચિંતાઓ પણ છે કે જો લેબ ગ્રોન ડાયમંડ સેક્ટર પર પણ 50 ટકા ટેરિફ લાગુ થશે તો રોજગાર પર ગંભીર અસર પડી શકે છે.
આ પણ વાંચો…રત્ન કલાકારોના બાળકોને મળશે ₹ 13,500ની શૈક્ષણિક ફી સહાય: ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય…
હીરાની આયાતમાં ભારતનો કેટલો છે હિસ્સો?
અમેરિકાના બજારમાં ક્રિસમસના તહેવારો દરમિયાન વર્ષભરના કુલ વેચાણનો લગભગ અડધો ભાગ થાય છે. જીજેઈપીસીના આંકડા મુજબ 2024માં અમેરિકાની કુલ હીરા આયાતમાં ભારતનો હિસ્સો 68 ટકા (વોલ્યુમમાં) અને 5.79 અબજ ડોલર (મૂલ્યમાં) હતો. નવા ટેરિફના કારણે ભારતની હીરાની નિકાસ પર ગંભીર અસર થવાની સંભાવના થશે.
સૂત્રોએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં અમેરિકામાં નિકાસમાં 25 ટકાનો ઘટાડો થયો છે અને ઉત્પાદન 30-35 ટકા ઘટ્યું છે. હવે નવા ટેરિફથી નિકાસ વધુ ઘટશે.
સૂત્રો મુજબ અમે 27 ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ તારીખથી 50 ટકા ટેરિફ લાગુ થશે. ત્યાર બાદ અમે અમેરિકન ખરીદદારો સાથે વાટાઘાટો કરીને તેમને થોડો બોજ ઉઠાવવા વિનંતી કરીશું. આ ઊંચા ટેરિફથી સુરત અને મુંબઈ સૌથી વધુ પ્રભાવિત થશે. જૂન મહિનામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 23.49 ટકા અને લેબ-ગ્રોન ડાયમંડની નિકાસમાં 24.95 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારત વિશ્વનું સૌથી મોટું હીરા નિકાસકર્તા
ભારત વિશ્વનો સૌથી મોટું હીરા નિકાસકર્તા છે અને વિશ્વભરમાં દર દસમાંથી નવ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતે યુએસને કટ અને પોલિશ્ડ હીરા અને હીરાના દાગીના સહિત 10 અબજ ડોલરની જેમ્સ અને જ્વેલરીની નિકાસ કરી હતી.
આ પણ વાંચો…સુરતમાં હીરા કામદારોને નિશાન બનાવતી ‘મશરૂ ગેંગ’નો આતંક: હનીટ્રેપ ગેંગ એક્ટિવ