ડાયમંડ બુર્સ મોદીની ગેરંટીનું ઉદાહરણ, ચર્ચા આજે થાય છે પણ સુરત પહેલેથી જાણે છે: PM મોદી

સુરત: પીએમ મોદીએ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન નિમિત્તે ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે આજે સુરતની ચમકમાં વધુ એક હીરાનો ઝગમગાટ જોડાયો છે, અને એ પણ કોઇ નાનોમોટો નહિ પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ હીરો છે. “હવે જ્યારે કોઇ ડાયમડ બુર્સનું નામ લેશે તો તેને સુરત જ યાદ આવશે, ભારત યાદ આવશે..” પીએમ મોદીએ કહ્યું, “ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઇન, ભારતીય ડિઝાઇનર્સ, ભારતીય મટીરિયલ અને ભારતીય કોન્સેપ્ટના સામર્થ્યને દર્શાવે છે.
આ બિલ્ડિંગ નવા ભારતના નવા સામર્થ્ય અને નવા સંકલ્પનું પ્રતીક છે.”
પીએમ મોદીએ આગળ જણાવ્યું, “રો ડાયમંડ, પોલીશ્ડ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, જ્વેલરી ઉદ્યોગ, દરેક પ્રકારનો વેપાર અહીંથી સંભવ છે. કારીગરો, વેપારીઓ, તમામ માટે વન સ્ટોપ સેન્ટર જેવું છે.”
“સુરતની યાત્રા ઉતારચડાવથી ભરેલી છે. વિશ્વના અનેક મોટા જહાજ અહીંયા બનતા હતા. સુરતના ઇતિહાસમાં અનેક મોટા સંકટ આવ્યા, પરંતુ સુરતીઓએ એકસાથે હિંમતભેર મુકાબલો કર્યો. 84 દેશોના સિક્કા અહીં ફરતા હતા, હવે 125 દેશના ઝંડા અહીં ફરકાશે. સુરતના મારા મિત્રો મને તેમની વ્યાપારિક તકલીફોનું વર્ણન કરતા હતા.
સૌથી મોટી મુશ્કેલી એ હતી કે નાની-નાની વાતો માટે તેમને દૂર જવું પડતું, વર્ષ 2014માં વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સ થઇ હતી જેમાં મેં ડાયમંડ સેક્ટર માટે સ્પેશિયલ નોટિફાઇડ ઝોન સ્થાપિત કરવાની ઘોષણા કરી હતી. જેણે સુરત ડાયમંડ બુર્સના સ્વપ્નને સાકાર કર્યું છે. ” પીએમ મોદીએ કહ્યું. “સુરત સ્ટ્રીટ ફૂડ, સ્વચ્છતા, સ્કીલ્સ, જેવી અનેક બાબતોમાં અગ્રેસર છે. સુરતની ઓળખ પહેલા સનસિટીની હતી, ત્યાંથી લોકોએ પોતાની મહેનત અને પરિશ્રમ વડે તેને ડાયમંડ સિટી બનાવ્યું, સિલ્ક સિટી બનાવ્યું. તમારી મહેનતથી સુરત ડ્રીમ સિટી બન્યું છે.
સુરત હવે આઇટી ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. તમે લોકો આજકાલ મોદીની ગેરંટી વિશે ઘણું સાંભળતા હશો, પરંતુ સુરતના લોકો તો પહેલેથી જ મોદીની ગેરંટી વિશે જાણે છે. અહીંના પરિશ્રમી લોકોએ મોદીની ગેરંટીને વાસ્તવિકતમાં પરિણમતી જોઇ છે. જેનું ઉદાહરણ આ ડાયમંડ બુર્સ છે.” તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું.